Get The App

પંચમહાલમાં ઈંધણનું સંકટ?: ગોધરા અને શહેરાના પેટ્રોલ પંપો પર 'નો સ્ટોક'ના બોર્ડ, આકરી ગરમીમાં વાહનોની લાઈનો લાગી

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
પંચમહાલમાં ઈંધણનું સંકટ?: ગોધરા અને શહેરાના પેટ્રોલ પંપો પર 'નો સ્ટોક'ના બોર્ડ, આકરી ગરમીમાં વાહનોની લાઈનો લાગી 1 - image

Fuel Crisis in Panchmahal: ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પંચમહાલ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાતાં હાહાકાર મચી ગયો છે. જિલ્લાના મુખ્ય મથક ગોધરા અને શહેરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઈંધણ સંકટને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. એક તરફ સરકાર ઈંધણની કોઈ અછત ન હોવાના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર બતાવી રહી છે.

ગોધરાના પંપો પર લાગ્યા 'પેટ્રોલ નથી'ના બોર્ડ

ગોધરા શહેરના મધ્યમાં આવેલા જાણીતા બી.વી. ગાંધી પેટ્રોલ પંપ પર ફરી એકવાર 'પેટ્રોલ નથી'ના બોર્ડ લટકતા જોવા મળ્યા છે. પેટ્રોલ પંપના ડીલરોના જણાવ્યા અનુસાર, હાલમાં ખેતીની સિઝન અને લગ્નગાળો ચાલતો હોવાથી પેટ્રોલ-ડીઝલની માંગમાં અચાનક ભારે ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત શનિ-રવિવારની રજાઓને કારણે ઓઈલ કંપનીઓમાંથી પેટ્રોલ-ડીઝલના ટેન્કરો સમયસર ન પહોંચી શક્યા, જેના લીધે આ મુશ્કેલી વધારે વકરી છે.

જોકે ઈંધણના સંકટની ચર્ચા વચ્ચે બી.વી. ગાંધી પંપના સંચાલકે રાહતના સમાચાર આપતા જણાવ્યું હતું કે, પેટ્રોલનું ટેન્કર રસ્તામાં જ છે અને વહેલીતકે આવી પહોંચશે. ટેન્કર આવ્યા બાદ તુરંત જ ગ્રાહકો માટે પેટ્રોલનું વેચાણ ફરી શરૂ કરી દેવામાં આવશે.

શહેરામાં પેટ્રોલ વિના જનજીવન પ્રભાવિત, વાહનો દોરવાનો વારો આવ્યો

બીજી તરફ, શહેરા તાલુકામાં પરિસ્થિતિ વધુ ગંભીર જોવા મળી રહી છે. સ્ટોક ખાલી થઈ જવાને કારણે શહેરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોના કેટલાક પેટ્રોલ પંપો સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. જે ગણતરીના પંપો ચાલુ છે, ત્યાં વહેલી સવારથી જ વાહનોની કિલોમીટરો લાંબી લાઈનો જોવા મળી હતી.જેમાં ખાસ કરીને ટૂ-વ્હીલર વાહનોની સંખ્યા વધુ છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે કેટલાક વાહનચાલકોના વાહનોમાં રસ્તામાં જ પેટ્રોલ ખૂટી જતાં, તેઓ ભરઉનાળે વાહનોને દોરીને લઈ જવા મજબૂર બન્યા હતા.

આ પણ વાંચો: જામનગર: 'JCB ચલાવ્યું તો પથ્થરમારો કરીશું', વૃદ્ધ દંપતીના વિરોધ વચ્ચે ₹3.50 કરોડની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ

ખેડૂતો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ મુશ્કેલીમાં

આ ઈંધણ સંકટની સીધી અસર રોજિંદા અપડાઉન કરતા લોકો પર પડી છે. ઓફિસે જતા કર્મચારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને સીઝનના સમયે ખેતીકામ કરતા ખેડૂતો ઈંધણ મેળવવા માટે દર-દર ભટકી રહ્યા છે. સરકારી દાવાઓ અને જમીની હકીકત વચ્ચેનો આ તફાવત સામાન્ય જનતા માટે મુશ્કેલીનો સબબ બન્યો છે. હવે જોવાનું એ રહે છે કે ઓઈલ કંપનીઓ દ્વારા સપ્લાય ક્યારે સામાન્ય કરવામાં આવે છે જેથી નાગરિકોને આ હાલાકીમાંથી મુક્તિ મળે.