Get The App

જામનગર: 'JCB ચલાવ્યું તો પથ્થરમારો કરીશું', વૃદ્ધ દંપતીના વિરોધ વચ્ચે ₹3.50 કરોડની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર: 'JCB ચલાવ્યું તો પથ્થરમારો કરીશું', વૃદ્ધ દંપતીના વિરોધ વચ્ચે ₹3.50 કરોડની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ 1 - image

Jamnagar Demolition Drive: જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે (14મી મે) શહેરમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા. જડેશ્વર પાર્ક વિસ્તારમાં હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન અંદાજે 3.50 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. જોકે, ડિમોલિશન દરમિયાન એક વૃદ્ધ દંપતીએ જેસીબી આડે ઉતરીને પથ્થરમારાની ચીમકી આપતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વૃદ્ધ દંપતીનો આક્રોશ અને દર્દભરી વિનંતી

મળતી માહિતી અનુસાર, જામનગર મનપાની ટીમ જડેશ્વર પાર્કમાં દબાણ હટાવવા પહોંચી, ત્યારે એક વૃદ્ધ દંપતીએ આકરા તેવર બતાવ્યા હતા. દંપતીએ જેસીબી મશીન આગળ ઊભા રહીને કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો અને ચીમકી આપી હતી કે, 'જો અમારો આશરો તોડશો તો પથ્થરમારો કરીશું.'

નંદુબેન નામના વૃદ્ધાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, 'અમે 40 વર્ષ પહેલા શાંતિલાલ નામના વ્યક્તિ પાસેથી આ જગ્યા વેચાતી લીધી હતી. મારા પુત્રનું અવસાન થયું છે અને હું તેની વિધવા પત્ની તથા બે સંતાનો સાથે અહીં રહીને પરિવારનું ગુજરાન ચલાવું છું.' આ મામલે પોલીસ અને મનપાના અધિકારીઓએ દંપતીને શાંતિપૂર્વક સમજાવી સાઈડમાં ખસેડતા મામલો થાળે પડ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ

3.50 કરોડની જમીન દબાણમુક્ત

મળતી માહિતી મુજબ મહાનગરપાલિકા દ્વારા અગાઉથી દબાણકર્તાઓને અંતિમ નોટિસો પાઠવવામાં આવી હતી. સમયમર્યાદા પૂર્ણ થતાં આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કુલ છ જેટલાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં ત્રણ કાચા-પાકા મકાનો, એક ગેરેજ, એક દુકાન તથા એક વાડાનો સમાવેશ થતો હતો. ડિમોલિશન માટે મહાનગરપાલિકાની ટીમ સાથે બે જેસીબી મશીનો, ત્રણ ટ્રેક્ટરો તેમજ એસ્ટેટ શાખાના 35થી વધુ કર્મચારીઓ તહેનાત રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન આશરે 3.50 કરોડ રૂપિયાની કિંમતની 8 હજાર ચોરસ ફૂટ સરકારી જગ્યા દબાણમુક્ત કરાઈ છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર 20થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્રના જણાવ્યા અનુસાર, દબાણકર્તાઓને અગાઉ જ અંતિમ નોટિસ પાઠવવામાં આવી હતી અને સમયમર્યાદા પૂર્ણ થતા આ કાર્યવાહી કરવામાં આવી છે. મનપા દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રાખવાના સંકેત આપવામાં આવ્યા છે.