Get The App

ચૂંટણી પૂર્ણ થતા જ જનતા પરેશાન: નસવાડીના પેટ્રોલ પંપો પર 'નો સ્ટોક' ના બોર્ડ લાગ્યા, વાહનચાલકોમાં રોષ

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
ચૂંટણી પૂર્ણ થતા જ જનતા પરેશાન: નસવાડીના પેટ્રોલ પંપો પર 'નો સ્ટોક' ના બોર્ડ લાગ્યા, વાહનચાલકોમાં રોષ 1 - image


Fuel Crisis Hits Naswadi: છોટા ઉદેપુર જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. નસવાડી તાલુકામાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી પડતા 210થી વધુ ગામડાના લોકો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

પેટ્રોલ પંપો પર 'પેટ્રોલ-ડીઝલ નથી' તેવા બોર્ડ લાગ્યા 

નસવાડી અને આસપાસના વિસ્તારમાં આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ અને નાયરા જેવા મુખ્ય પેટ્રોલ પંપો પર 'પેટ્રોલ-ડીઝલ નથી' તેવા બોર્ડ મારી દેવામાં આવ્યા છે. નસવાડી તાલુકાના 212 જેટલા ગામોના લોકો પોતાના કામકાજ માટે ટાઉનમાં આવતા હોય છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ તરફ જતા વાહનચાલકો પણ ઈંધણ ન મળતા રસ્તામાં અટવાયા છે. પેટ્રોલ પંપો પર જથ્થો ઉપલબ્ધ ન હોવાથી મજબૂર બનેલા બાઈક ચાલકો મોંઘા ભાવે કાળા બજારમાં પેટ્રોલ ખરીદવા મજબૂર બન્યા છે.

પેટ્રોલ પંપના માલિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસથી કંપનીઓ દ્વારા જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો નથી. બીજી તરફ, જાગૃત નાગરિકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે ચૂંટણીઓ પૂર્ણ થઈ હોવાથી આગામી સમયમાં ભાવ વધારો થવાની શક્યતા છે, જેના કારણે ઉપરથી જ માલ અટકાવી દેવામાં આવ્યો હોઈ શકે છે.

આ પણ વાંચો: ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસ માટે વિપક્ષના નેતાનું પદ પણ જોખમમાં, સમજો ગણિત

વાહનોના પૈડાં પણ થંભી ગયા

માત્ર ખાનગી વાહનો જ નહીં, પરંતુ નસવાડી આસપાસ ચાલતી કન્સ્ટ્રક્શન સાઈટો, રેતી-કપચીનું વહન કરતા લોડિંગ ટેમ્પો અને અન્ય કોમર્શિયલ વાહનોના પૈડાં પણ થંભી ગયા છે. ડીઝલની અછતને કારણે સ્થાનિક પરિવહન અને બાંધકામ ક્ષેત્રને મોટી અસર પહોંચી છે.

સરકાર એકબાજુ પૂરતો જથ્થો હોવાનો દાવો કરે છે, જ્યારે બીજી તરફ પંપો પર તાળા જેવી સ્થિતિ છે. છોટાઉદેપુર જિલ્લા પુરવઠા અધિકારી તાત્કાલિક અસરથી આ મામલે દરમિયાનગીરી કરે અને નસવાડીમાં પેટ્રોલ-ડીઝલનો પુરવઠો પૂર્વવત કરાવે તેવી સ્થાનિકોની માંગ છે.