Gujarat

બોરસદમાં જન્મ દિવસે મિત્રોએ જાહેરમાં તલવારથી કેક કાપીને ઉજવણી કરતા ફરિયાદ

By GS TEAM
14 Sep 20251 min read
બોરસદમાં જન્મ દિવસે મિત્રોએ જાહેરમાં તલવારથી કેક કાપીને ઉજવણી કરતા ફરિયાદ

- તમામ મિત્રો એકઠા થઇ ફટાકડા ફોડીને ડી.જે. સાથે ડાન્સ કરતા પોલીસની કાર્યવાહી 

આણંદ : બોરસદ શહેરની આણંદ ચોકડી નજીક આવેલી પી ચંદ્ર ટાવર પાસે જન્મદિવસ નિમિત્તે જાહેરમાં ફટાકડા ફોડી તલવાર વડે કેક કાપી ઉજવણી કરનાર આઠ શખ્સો વિરુદ્ધ બોરસદ શહેર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બોરસદ શહેરની કૃષ્ણનગર સોસાયટી ભાગ બેમાં રહેતા દીપલ ઉર્ફે હેલિકોપ્ટર ઉર્ફે કાનાભાઈ અશોકભાઈ પટેલનો જન્મદિવસ હોવાથી ગઈકાલ રાત્રિના સુમારે બોરસદ શહેરની આણંદ ચોકડી નજીક આવેલા પી ચંદ્ર ટાવર દીપલ ઉર્ફે હેલિકોપ્ટર પટેલ સહિતના મિત્રો એકત્ર થયા હતા અને જાહેરમાં ફટાકડા ફોડી તલવાર સાથે ઉજવણી કરતા હતા. આ અંગે બોરસદ શહેર પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા દીપલ ઉર્ફે હેલિકોપ્ટરનો જન્મદિવસ હોવાથી તમામ મિત્રો તલવાર સાથે ડીજેના તાલે ડાન્સ કરતા હતા. પોલીસે દીપલ ઉર્ફે હેલિકોપ્ટર પટેલ, કોકો ભાસ્કરભાઈ રાવ (રહે અશોકનગર), ભૌમિક સતિષભાઈ પટેલ (રહે ભીંડી બજાર),હરદીપસિંહ બાબુભાઈ પઢિયાર (રહે રાઠોડ ચોકડી), સ્વપ્નિલ નિલેશભાઈ ચાવડા (રહે અશોકનગર), અંકુર જયંતીભાઈ પટેલ (રહે અશોકનગર), ઉજ્જવલ અલ્પેશભાઈ પટેલ (રહે સુખડિયા ખડકી) અને હર્ષદ રમેશભાઈ પટેલ (રહે નંદનવન સોસાયટી)ને ઝડપી પાડી તમામ આઠ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.