Gujarat

રેલયાત્રી કાર્ડ કઢાવી આપવાનું કહીને ગઠિયાઓ ઓનલાઇન નાણાં લઇ ગયો

By GS TEAM
9 Mar 20262 mins read
રેલયાત્રી કાર્ડ કઢાવી આપવાનું કહીને ગઠિયાઓ ઓનલાઇન નાણાં લઇ ગયો

અમદાવાદ, સોમવાર

કાલુપુર રેલ્વે સ્ટેશન પર ટિકિટ લેવા માટે ઉભા રહેલા યુવકને ટિકિટ ન લેતો પણ દંડ ન થાય તે માટે રેલયાત્રી કાર્ડ કઢાવી આપવાનું કહીને ઓનલાઇન એકાઉન્ટના પાસવર્ડ જાણીને મોબાઇલ ફોન લઇ જઇને એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરીને મેળવીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. છેતરપિંડીની નવી મોડ્સ ઓપરેન્ડીથી અન્ય જિલ્લાઓમાં પણ અગાઉ છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

મુળ ઓરિસ્સાના મયુરગંજ જિલ્લામાં રહેતો ૨૫ વર્ષીય જીવન કુન્ટીયા ગત ૨જી માર્ચના રોજ તેના મિત્ર સાથે કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે ટિકિટ લેવા માટે ગયો હતો. ત્યારે એક વ્યક્તિ તેની પાસે આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તે રેલ્વે પોલીસ દંડ ન કરે તે માટે યાત્રી કાર્ડ કઢાવી આપે છે. જેથી ટ્રેનમાં ટિકિટ વિના પણ મુસાફરી કરી શકાય છે. આ સમયે બીજો વ્યક્તિ આવ્યો હતો અને ત્યાં આવેલા વ્યક્તિએ પણ યાત્રી કાર્ડ કઢાવ્યું હોવાનું કહેતા જીવનને વિશ્વાસ આવ્યો હતો અને તેેણે કાર્ડ કઢાવી આપવા માટે કહ્યું હતું. પરંતુ, તેણે કહ્યું હતું કૈ પેસા તમારા ફોનથી ટ્રાન્સફર કરવા પડશે અને તમારા એકાઉન્ટનો પાસવર્ડ આપજો. જેથી હુ નાણાં ચુકવી શકુ. જીવને તેને ફોન આપતા  વિશ્વાસ કેળવવા માટે તે અન્ય એક ફોન આપી ગયો હતો. પરંતુ, લાંબા સમય સુધી  પરત ન આવતા તપાસ કરતા તે મળી આવ્યો નહોતો. બીજા દિવસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બેંક એકાઉન્ટમાંથી એક લાખ રૂપિયા ટ્રાન્સફર થઇ ગયા હતા. આ અંગે રેલ્વે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જેમાં આ મોડ્સ ઓપરેન્ડીથી અન્ય જિલ્લાના રેલ્વે સ્ટેશનોમાં પણ છેતરપિંડી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.