Gujarat

ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝાના નામે 25 લાખ રૂપિયાની છેતરપિંડી

By GS TEAM
25 Feb 20262 mins read
ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝાના નામે 25 લાખ રૂપિયાની છેતરપિંડી

કલોલના આમજા ખાતે રહેતા પરિવાર સાથે

યુવાનને ઓસ્ટ્રેલિયાની જગ્યાએ થાઈલેન્ડ મોકલ્યો  કડીના લુણાસણના એજન્ટ સામે ગુનો દાખલ કરાયો

ગાંધીનગર: કલોલના આમજા ખાતે રહેતા પરિવારના પુત્રને ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને કડી તાલુકાના લુણાસણ ગામના એજન્ટ દ્વારા ૨૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે હાલ પેથાપુર પોલીસ દ્વારા એજન્ટ સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

હાલમાં યુવાનોને વિદેશ મોકલવાના બહાને એજન્ટો દ્વારા લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી રહી છે ત્યારે આ વખતે કલોલના આમજા ગામના વધુ એક પરિવારને ઠગ એજન્ટ દ્વારા છેતરવામાં આવ્યા છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે

આમજા ગામે રહેતા અને વેપાર કરતા વિનોદકુમાર ભિખાભાઈ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો પુત્ર ચિરાગ ઓસ્ટ્રેલિયા જવા ઈચ્છતો હતો. આ દરમિયાન તેમના સાળા મારફતે તેમનો સંપર્ક મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લુણાસણ ગામના રહેવાસી કિરણભાઈ દશરથભાઇ પ્રજાપતિ સાથે થયો હતો. કિરણભાઈએ ગાંધીનગરના સેક્ટર-૨૨ માં કે.ડી. ઈમીગ્રેશન નામે ઓફિસ ધરાવતા હોવાનું જણાવી ચિરાગને એક જ મહિનામાં ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો. આ કામ પેટે કુલ ૪૦ લાખ નક્કી થયા હતા, જેમાંથી વિઝા અને ટિકિટ મળે ત્યારે ૨૫ લાખ ચૂકવવાનું નક્કી થયું હતું.

૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ કિરણભાઈએ વિઝા અને ટિકિટ આવી ગયા હોવાનું કહી વિનોદકુમારને વિશ્વાસમાં લીધા હતા. જે બાદ ૨૫ જાન્યુઆરીના રોજ કિરણભાઈને ૨૫ લાખ રોકડા સાળાના કોલવડા ખાતેના ઘરે આપ્યા હતા. ૨૭ જાન્યુઆરીના રોજ ચિરાગ અમદાવાદથી દિલ્હી ગયો હતો, પરંતુ ત્યાંથી સિંગાપોરની ટિકિટ કેન્સલ થઈ હોવાનું કહી તેને એક મહિનો દિલ્હીની હોટલમાં રખાયો હતો. ત્યારબાદ તેને થાઈલેન્ડ મોકલી ત્યાં એક મહિનો રખાયો હતો. ત્યાંથી સેટિંગ ન થતા તેને પરત ગુજરાત મોકલી, ફરી ૧૮ મે ૨૦૨૫ના રોજ દુબઈ મોકલવામાં આવ્યો હતો. બે દિવસ દુબઈ રાખ્યા બાદ તેને ફરી ગુજરાત પરત લાવી દેવામાં આવ્યો હતો. આખરે હવે ચિરાગને ઓસ્ટ્રેલિયા નહીં મોકલવો હોવાનું કહીને રૂપિયા પરત માગ્યા હતા પરંતુ કિરણભાઈ ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા હતા. જેથી હાલ પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.