Get The App

જામજોધપુરના ગીંગણીમાં જમીન સોદામાં રૂ.9,74,000ની છેતરપીંડી : ચેક બાઉન્સ થતાં મેઘપરના આરોપી સામે ફરિયાદ

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
જામજોધપુરના ગીંગણીમાં જમીન સોદામાં રૂ.9,74,000ની છેતરપીંડી : ચેક બાઉન્સ થતાં મેઘપરના આરોપી સામે ફરિયાદ 1 - image

Jamnagar : જામજોધપુર તાલુકામાં જમીન સોદા સંબંધિત એક છેતરપીંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક નિવૃત્ત વ્યક્તિ પાસેથી લાખો રૂપિયાની છેતરપીંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ફરિયાદી સુભાષભાઈ વિરજીભાઈ વિરમગામા (ઉંમર 61, રહે.રામવાડી શેરી નં.3, જામજોધપુર)એ પોલીસમાં નોંધાવેલી ફરીયાદ મુજબ, તેઓ પાસે ગીંગણી ગામે સર્વે નં. 201 અને 230ની આશરે 29 વીધા ખેતીની જમીન હતી. હૃદયરોગની સારવાર માટે પૈસાની જરૂર પડતાં તેમણે જમીન વેચવાનો નિર્ણય લીધો હતો.

આ દરમિયાન ભાવેશભાઈ કલોલા મારફતે લખમણભાઈ નાથાભાઈ કદાવલા (રહે. મેઘપર, તા. જામજોધપુર) સાથે જમીન સોદો નક્કી થયો હતો. શરૂઆતમાં રૂ.5,00,000 મેળવ્યા બાદ જમીન માપણીમાં ફેરફાર થતાં કુલ રકમમાં ઘટાડો થયો હતો. બાદમાં તા. 08/04/2025 ના રોજ વેચાણ દસ્તાવેજ સમયે આરોપી દ્વારા કુલ રકમમાંથી બાકી રૂ.16,86,000 આપવા માટે ત્રણ ચેક આપવામાં આવ્યા હતા.

જેમાંના બે ચેક રૂ.8,43,000-8,43,000 ના હતા અને ત્રીજો ચેક રૂ.9,74,000 નો હતો. ફરિયાદી દ્વારા તા.11/04/2025 ના રોજ ચેક બેંકમાં રજૂ કરતા, ખાતામાં પૂરતા નાણા ન હોવાને કારણે ચેક બાઉન્સ થયો હતો. વધુમાં તપાસમાં જાણવા મળ્યું કે સંબંધિત ખાતું લાંબા સમયથી કે.વાય.સી. ન હોવાને કારણે બંધ હતું.

ફરિયાદી દ્વારા આરોપીનો સંપર્ક કરતાં આરોપી વારંવાર બહાના બનાવી સમય પસાર કરતો રહ્યો હતો. ત્યારબાદ રૂપિયા માંગવા ગયેલી ફરિયાદીની પત્ની અને પાડોશી મહિલાઓ સાથે આરોપીએ ગાળો બોલી મારામારી કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવ અંગે ફરિયાદી સુભાષભાઈએ લખમણભાઈ કદાવલા વિરુદ્ધ રૂ. 9,74,000 ની છેતરપીંડી તેમજ ધમકી અને મારામારી કરવાનો પ્રયાસ અંગે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.