Gujarat

વડોદરા જિલ્લા ભાજપના આગેવાનો પર સત્તાનો નશો ચડ્યો,ગુનાઇત કૃત્યોમાં સંડોવણીના એક પછી એક ચાર કિસ્સા

By GS Team
18 Aug 20252 mins read
This article was originally published on 18 Aug 2025
વડોદરા જિલ્લા ભાજપના આગેવાનો પર સત્તાનો નશો ચડ્યો,ગુનાઇત કૃત્યોમાં સંડોવણીના એક પછી એક ચાર કિસ્સા

વડોદરાઃ વડોદરા જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં ભાજપના એક પછી એક આગેવાનોની ગુનાઇત કૃત્યોમાં સંડોવણીના કિસ્સા ચર્ચાનો વિષય બન્યા છે.જેને પગલે જિલ્લા ભાજપ પ્રમુખે પણ દરેક બનાવોની વિગતો મેળવી છે.

વડોદરા જિલ્લામાં સૌથી ચકચારી બનાવ પાદરા તાલુકાના સાધી ગામે બન્યો છે.જેમાં વાયરલ વીડિયોમાં એપીએમસીના પૂર્વ ચેરમેન ભાસ્કર પટેલ રાત્રિના અંધકારમાં ભેદી સંજોગોમાં એક ક્લિનિકમાંથી ધાબળો ઓઢીને છુપાતા નીકળતા દેખાઇ રહ્યા છે. ગામના યુવકો ધાબળો કાઢીને વીડિયો ઉતારતા દેખાઇ રહ્યા છે.જે બનાવનું રહસ્ય અકબંધ રહ્યું છે અને વીડિયો સતત વાયરલ થઇ રહ્યો છે.

આવી જ રીતે વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પુરાણી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે.ત્યારબાદ પોલીસ તેમની તપાસ કરી રહી છે.જ્યારે,કરજણમાં ભાજપના તાલુકા કક્ષાના એક આગેવાનના ભાઇએ યુવતીને મેસેજ મોકલ્યા હોવાના આક્ષેપ સાથે હાથાપાઇનો બનાવ પણ ચર્ચામાં રહ્યો છે.આ આગેવાન સામે આજે યુવતી તરફે જિલ્લા ભાજપના પ્રમુખને રજૂઆત પણ કરવામાં આવી હતી.

તો અન્ય એક બનાવ સાવલીના  ભાદરવા ખાતે બન્યો છે.જેમાં ભાજપના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને સરપંચના પતિ મહિપતસિંહ રાણા તેમજ પૂર્વ જિ.પં.ના સદસ્યના પતિ અને ભાજપના કિસાન મોરચાના પ્રદેશ કક્ષાના હોદ્દેદાર અશોક ગામેચી વચ્ચે મારામારી થતાં પોલીસ ફરિયાદ થઇ છે.

APMC ના પૂર્વ  પ્રમુખ ત્રણ કલાક ક્લિનિકમાં પુરાઇ રહ્યા

પાદરા એપીએમસીના પૂર્વ પ્રમુખનો ક્લિનિકમાંથી ધાબળો ઓઢીને નીકળતો વીડિયો વાયરલ થયાના  બનાવમાં એવું ચર્ચાઇ રહ્યું છે કે,કેટલાક લોકો ક્લિનિકની બહાર વીડિયો ઉતારવા માટે ગોઠવાઇ રહ્યા હોવાની જાણ થતાં તેઓ ત્રણ કલાક સુધી અંદર જ પુરાઇ રહ્યા હતા.જિલ્લાના રાજકીય વર્તુળોમાં આ કિસ્સો સતત ચર્ચામાં રહ્યો છે.

APMCના પૂર્વ ચેરમેને સોશ્યલ મીડિયા પર ચેલેન્જ સ્વીકારી

પાદરા એપીએમસીના પૂર્વ ચેરમેનનો વિવાદ સોશ્યલ મીડિયા પર સતત ચર્ચામાં રહ્યો છે.તેમનો વીડિયો વાયરલ થયા બાદ આજે તેમણે સોશ્યલ મીડિયા પર ફિલ્મ સ્ટાર રાજકુમારના ડાયલોગ સાથેનું સ્ટેટસ મુકી ચેલેન્જ સ્વીકારી હતી.