Gujarat

એન.આર.આઇ.મહિલાનું પર્સ ચોરી કરનાર દંપતી સહિત ચાર પકડાયા

By GS TEAM
9 Dec 20251 min read
એન.આર.આઇ.મહિલાનું પર્સ ચોરી કરનાર દંપતી સહિત ચાર પકડાયા

 વડોદરા,ઘડિયાળી  પોળમાં ખરીદી કરવા ગયેલી એન.આર.આઇ. મહિલાના ૧૮ તોલા વજનના દાગીના, રોકડા ૪૧ હજાર તથા ડેબિટ  કાર્ડની ચોરી કરનાર દંપતી સહિત ચાર આરોપીઓને ઝડપી પાડી તમામ દાગના કબજે કરવામાં આવ્યા છે.

ઘડિયાળી પોળમાં ખરીદી કરવા ગયેલા એન.આર.આઇ.  સુનંદાબેન વસંતભાઈ માલુસરેના પર્સની ચોરી થઇ હતી. જે અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. પોલીસે સીસીટીવી  ફૂટેજના આધારે મળેલા ફોટા તથા બાતમીદારો મારફતે તપાસ કરતા આરોપીઓ અમદાવાદના હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી, પોલીસની ટીમે અમદાવાદ જઇ (૧) ભરત પ્રતાપભાઇ દંતાણી (૨) સુમન ભરતભાઇ દંતાણી ( બંને રહે. માન સરોવાર ટાઉનશિપ, ચાંદખેડા, અમદાવાદ) (૩) હેતલબેન  હર્ષદભાઇ માળુ તથા (૪) ચંદાબેન રવિભાઇ દેવીપુજક ( બંને રહે. ડમરૃ સર્કલ, ચાંદખેડા, અમદાવાદ) ને ઝડપી લીધા હતા. પોલીસે તેઓ પાસેથી સોનાના તમામ દાગીના રિકવર કર્યા હતા. જ્યારે રોકડા કબજે કરવાના બાકી છે. ભરત સામે અગાઉ ૮, તેની પત્ની સુમન સામે ૨, હેતલબેન સામે ૧ ગુના  દાખલ થયા છે. વાડી પી.આઇ. જીજ્ઞોશ ગામીતે જણાવ્યું હતું કે, આરોપીઓ ભીડવાળી જગ્યાએ નાના બાળકો સાથે જઇ ખરીદી કરવાના બહાને ચોરી કરે છે.