Get The App

નડિયાદના આનંદપુરા ગામે પૂર્વ અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનની મુલાકાત

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદના આનંદપુરા ગામે પૂર્વ અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનની મુલાકાત 1 - image

- ગ્રીન એનર્જી અને મહિલા સશક્તિકરણના પ્રકલ્પો નિહાળ્યાં

- મહિલાઓએ તૈયાર કરેલા સાધનો અને પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરીને વૈશ્વિક સ્તરે આવા મોડેલની જરૂરિયાતનું હિલેરી ક્લિન્ટને જણાવ્યું

નડિયાદ : નડિયાદ તાલુકાના આનંદપુરા ગામે પૂર્વ અમેરિકી પ્રમુખ બિલ ક્લિન્ટનના પત્ની અને પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન મુલાકાતે આવી પહોંચ્યા હતા. આનંદપુરા પ્રાથમિક શાળા પાસે કાર્યરત સેવા સંસ્થાના કેન્દ્રની તેમણે મુલાકાત લઈ મહિલા ઉત્કર્ષ અને ગ્રીન એનર્જીના ઉપયોગ દ્વારા ગ્રામ્ય જીવનમાં સુધારો લાવવાના પ્રયાસોની વિગતવાર જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન વિવિધ દેશોના પ્રતિનિધિઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યાં હતા અને સ્થાનિક સ્તરે થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

આનંદપુરામાં સેવા સંસ્થા દ્વારા લાંબા સમયથી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને પર્યાવરણ મૈત્રીપૂર્ણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. હિલેરી ક્લિન્ટને અહીં ગ્રામ્ય મહિલાઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમના જીવનમાં ગ્રીન એનર્જીના ઉપયોગથી આવેલા પરિવર્તનો વિશે પૂછપરછ કરી હતી. ખાસ કરીને રસોઈ અને દૈનિક વપરાશના સાધનોમાં સૌર ઉર્જા તેમજ અન્ય વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોના ઉપયોગથી સ્વાસ્થ્ય પર થતી સકારાત્મક અસરો અંગે તેમણે નિરીક્ષણ કર્યું હતું. સેવા સંસ્થા દ્વારા ગામમાં મહિલાઓના ઉત્કર્ષ માટે ચલાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓનું પ્રદર્શન પણ આ પ્રસંગે યોજવામાં આવ્યું હતું. ગ્રામ્ય જીવનમાં વપરાશમાં લેવાતા સાધનોમાં એનર્જીનો કાર્યક્ષમ ઉપયોગ કરીને મહિલાઓના શારીરિક શ્રમમાં કેવી રીતે ઘટાડો કરી શકાય અને ધુમાડાથી મુક્ત રસોઈ દ્વારા સ્વાસ્થ્યમાં કેવી રીતે સુધારો લાવી શકાય તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. 

હિલેરી ક્લિન્ટને આ પ્રકલ્પોમાં ખૂબ જ રસ દાખવ્યો હતો અને સ્થાનિક મહિલાઓની આવડતની પ્રશંસા કરી હતી. મુલાકાત દરમિયાન હિલેરી ક્લિન્ટન સાથે આવેલા અન્ય દેશોના પ્રતિનિધિઓએ પણ સંસ્થાની કાર્યપદ્ધતિ અને ગ્રામીણ સ્તરે ટેક્નોલોજીના અમલીકરણની પ્રક્રિયાને સમજી હતી. આનંદપુરાની મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિદેશી મહાનુભાવોની હાજરીને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ કાફલો સતર્ક રહ્યો હતો. ગ્રીન એનર્જીના ઉપયોગ અંગે થયેલી ચર્ચામાં જણાવવામાં આવ્યું હતું કે, પરંપરાગત બળતણના સ્થાને ક્લીન એનર્જીનો ઉપયોગ વધારવાથી પર્યાવરણનું જતન થાય છે અને મહિલાઓને શ્વાસ સંબંધિત બીમારીઓથી રક્ષણ મળે છે. સેવા સંસ્થાના માધ્યમથી અહીંની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ સાધનો અને આથક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરીને હિલેરી ક્લિન્ટને વૈશ્વિક સ્તરે આવા મોડેલની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.