મહુવાના નેસવડ ગામ પાસે રૂ.47.80 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

દારૂનો મોટો જથ્થો મોડી રાતે કટિંગ થવાનો હતો
લોકલ ક્રાઈમબ્રાંચે દારૂની ૬૫૫૨ બોટલ અને ૩૦૯૬ બિયરના ટીન મળી કુલ રૂ.૬૩.૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
મહુવાના નેસવડ ગામથી ભાણવડ ગામ તરફ જવાના રસ્તે કોઠાવાળી ખોડિયારમાના મંદિર પાસે ભરત છગનભાઈ કનક તેના માણસ મુર્તુજા અજગર અલી ચોકવાલા પાસે બંધ બોડીના ટ્રકમાંથી દારૂનું કટિંગ કરવાની ફિરાકમાં હોવાની બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચે ગત મોડી રાત્રે રેઈડ કરતા પોલીસને જોઈને તમામ ઈસમો અંધારાનો લાભ લઈને નાસી છુટયા હતા. જ્યારે બંધ બોડીના જીજે-૨૩-એડબલ્યુ-૫૦૭૦ નંબરના ટ્રકમાં તપાસ કરતા વોટર હિટરના ખાલી પુઠાની આડમાં છૂપાવેલી વિદેશી દારૂની કુલ ૬૫૫૨ બોટલ તથા ૩૦૯૬ બિયરના ટીન મળી કુલ રૂ.૪૭,૮૦,૩૨૦નો દારૂ, ટ્રક, બાઈક મળી કુલ રૂ.૬૩,૭૦,૩૨૦નોે મુદ્દામાલ કબ્જે લીધો હતો. બનાવ અંગે લોકલ ક્રાઈમબ્રાંચે ભરત છગનભાઈ કનક, મુર્તુજા અજગરઅલી ચોકવાલા (બન્ને રહે.મહુવા), ટ્રકના ચાલક અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ મહુવા પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ૩૧મી ડિસેમ્બર પૂર્વે જિલ્લામાંથી બીજી વખત આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો છે. સપ્તાહ પૂર્વે સિહોરના નેસડા ગામેથી ૧૧ હાજરથી વધારે દારૂની બોટલ ઝડપાયા બાદ આજે ફરી મહુવાના નેસવડ પાસેથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાયો છે.








