છોટા ઉદેપુર: 'વોટ નથી આપ્યો એટલે કામ નહીં થાય, થાય એ કરી લો..', પાણીની સમસ્યા છતાં ઝેર ગામના સરપંચની દાદાગીરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના ઝેર ગામમાં પીવાના પાણીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાણી બાબતે ગ્રામજનો દ્વારા વારંવાર સરપંચને રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, ગ્રામજનો પાણી બાબતે રજૂઆત કરવા જતાં સરપંચે કહ્યું કે, 'તમે વોટ નથી આપ્યો તો તમારું કામ નહીં કરું, થાય તે કરી લો…' તેમજ ગ્રામસભામાં પાણી અંગે સવાલ ઉઠવતા નાગરિકો સાથે અયોગ્ય વર્તન કરીને ધાકધમકી આપતા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. સરપંચ દાદાગીરી મામલે સ્થાનિકોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને યોગ્ય પગલાં ભરવાની માગ કરી છે.
ઝેર ગામે પાણીના સમસ્યા મામલે TDOને ગ્રામજનોની રજૂઆત
નસવાડીના ઝેર જૂથ ગ્રામપંચાયતના ગ્રામજનો તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચીને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરતાં જણાવ્યું કે, 'અમારા ઝેર ગામમાં પોચંબા પાણીપુરવઠા યોજનાનું ફિલ્ટર વાળું શુદ્ધ પાણી પીવા માટે મળતું નથી અને વોટર વોક્સના બોર ડચકા ખાઈ રહ્યા છે. આ મામલે સરપંચને ગ્રામ સભામાં રજૂઆત કરીએ છીએ તો પાણીની સમસ્યાનો નિકાલ કરવાની જગ્યાએ ગ્રામજનો સાથે ગેરવર્તન કરવામાં આવે છે અને જે થાય તે કરી લેવાની ધમકી આપવામાં આવે છે.'
સ્થાનિકોએ જણાવ્યું કે-
'પાણીની કટોકટીથી મહિલાઓ હેરાન પરેશાન થઈ રહી છે. જ્યારે પીવાના પાણી અંગે કહેતા ચૂંટાયેલા સરપંચ દ્વારા દાદાગીરી કરવામાં આવે છે. જેને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સમગ્ર મામલે નસવાડી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.'
TDOએ શું કહ્યું?
નસવાડી તાલુકામાં ચૂંટાયેલા સરપંચ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની જગ્યાએ ગ્રામજનોને ધમકાવાના મામલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે TDOએ કહ્યું કે-
ઝેર ગામના સરપંચ દ્વારા ગ્રામજનો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાની લેખિતમાં ગામ લોકોએ રજૂઆત કરી છે. આ બાબતે ગ્રામપંચાયત અને સરપંચ પાસેથી લેખિતમાં ખુલાસા માગીને ખરેખર હકીકત બાદ યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે.









