મહુવામાં બે કલાકમાં ધોધમાર 2 ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ

- ઘોઘામાં મધરાત્રે એક ઈંચ પાણી વરસ્યું, ભાવનગરમાં વીજળીના કડાકાથી ભય
- 7 તાલુકામાં ઝાપટું વરસ્યું, શહેરમાં બપોરે કાળાડિબાંગ વાદળોથી અંધકાર છવાયો : બોટાદમાં અર્ધો ઈંચ મેઘમહેર
ભાવનગર શહેરમાં મોડી રાત્રે પવન સાથે ધોધમાર અર્ધો ઈંચ વરસાદ થયો હતો. વીજળીના બિહામણાં ધડાકાથી લોકો ભયભીત થયા હતા. ઘણાં વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ડૂલ થયો હતો. રાત્રિ બાદ આજે બપોરના સમયે ધીમીધારે પાણી વરસ્યું હતું. બપોરે ત્રણ વાગ્યા આસપાસ આકાશમાં કાળાડીબાંગ વાદળોએ પડાવ નાંખતા અંધકાર છવાયો હતો. ઘોઘામાં પણ મધરાત્રે ધોધમાર એક ઈંચ વરસાદ બાદ આજે સાંજના સમયે ઝાપટું વરસ્યું હતું. પાલિતાણામાં વહેલી સવારે પા ઈંચ જેટલું પાણી વરસાવી મેઘરાજાએ હાજરી પૂરાવી હતી. આજે દિવસ દરમિયાન મહુવા, ભાવનગર, ઘોઘા ઉપરાંત વલ્લભીપુર, સિહોર, ગારિયાધાર, તળાજા અને જેસરમાં ઝાપટું વરસ્યું હતું. બોટાદમાં સાંજના સમયે અર્ધો ઈંચ મેઘમહેર થઈ હતી.
4 ડેમમાં પાણીની આવક-જાવક શરૂ
ગોમા ડેમમાં ૬૩ ક્યુસેક, પીંગળી ડેમમાં ૫૩ ક્યુસેક, બગડ ડેમમાં ૨૧૧ ક્યુસેક અને રોજકી ડેમમાં ૫૧૮ ક્યુસેક પાણીની આવક-જાવક શરૂ રહી હતી. લીંબાળી ડેમમાં ૪૦ ક્યુસેક પાણીની માત્ર આવક શરૂ રહી છે. બગડ ડેમ વિસ્તારમાં આજે શુક્રવારે રાત્રિના આઠ વાગ્યા સુધીમાં બે ઈંચ વરસાદ થયો હતો. ભીમદાડમાં એક ઈંચથી વધુ, જસપરા (માંડવા)માં અર્ધો ઈંચ જેટલો અને ઉતાવળી તેમજ પીંગળી ડેમમાં પા ઈંચ પાણી વરસ્યું હોવાનું સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.








