Gujarat

શ્રમજીવી પરિવારની પાંચ મહિનાની બાળકી પર બિલ્ડરની કાર ચઢી જતા મોત

By GS TEAM
19 Dec 20252 mins read
શ્રમજીવી પરિવારની પાંચ મહિનાની બાળકી પર બિલ્ડરની કાર ચઢી જતા મોત

વડોદરા,ભાયલીમાં નવી સાઇટ પર કામ કરતા શ્રમજીવી પરિવારની પાંચ મહિનાની બાળકી પર બિલ્ડરની કાર ચઢી જતા બાળકીને ગંભીર ઇજા થતા મોત થયું છે. જે અંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેર નજીકના શેરખી ગામ નાના ભાગમાં રહેતા વિનુભાઇ વસનાભાઇ પણદા મૂળ દાહોદ જિલ્લાના વતની છે. તેઓ પરિવાર સાથે રહે છે અને કડિયા કામ કરે છે.છેલ્લા ચાર દિવસથી તેઓ ભાયલી સોપાન - ૫૫ નામની નવી સાઇટ ર કડિયા કામ કરે છે.આજે સવારે તેઓ પરિવાર સાથે સાઇટ પર હતા. તેમની પત્નીએે પાંચ મહિનાની દીકરી અનન્યા સાઇટના ગેટની બાજુમાં જમીન  પર ગોદડી પાથરીને સૂવડાવી હતી અને નાનો દીકરો તેની સાથે રમતો હતો. સાડા નવ વાગ્યે બિલ્ડર તેમની કાર લઇને આવ્યા હતા. ગેટ તરફથી અંદર આવીને તેમણે વળાંક લેતા   પાંચ મહિનાની બાળકી પર ગાડી ચઢી ગઇ  હતી. તેની સાથે રમતા તેનો ભાઇબૂમાબૂમ કરીને રડવા લાગતા  સાઇટ પર કામ કરતા શ્રમજીવીઓ દોડી આવ્યા હતા. બાળકીને માથા તથા કાનમાંથી લોહી નીકળતું હતું. સાઇટ સુપરવાઇઝર વાસુભાઇ મોપેડ પર ઇજાગ્રસ્ત બાળકીને લઇને ભાયલી સરકારી દવાખાને લઇ  ગયા હતા. બાળકીને વધુ ઇજાઓ થઇ હોઇ ત્યાંથી ગોત્રી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત થયું હતું. પોલીસે પી.એમ. કરાવીને મૃતદેહ પરિવારજનોને સોંપી દીધો હતો.  પોલીસનું કહેવું છે કે, કાર કોણ ચલાવતું હતું. તેની તપાસ કરવાની બાકી છે. જોકે, પોલીસે સ્થળ પર તપાસ કરતા કાર મળી આવી નથી. અકસ્માત કરીને ચાલક ભાગી ગયો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.