Gujarat

મારી બહેન સાથે કેમ ફરે છે કહી યુવકને આંતરી પાંચ શખ્સોનો હુમલો

By GS TEAM
1 Mar 20262 mins read
મારી બહેન સાથે કેમ ફરે છે કહી યુવકને આંતરી પાંચ શખ્સોનો હુમલો

સરગાસણથી કારમાં અપહરણ કરી અડાલજ લઈ જવાયો

ઘાયલ યુવાનને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યોપોલીસે પાંચ શખ્સો સામે ગુનો દાખલ કર્યો

ગાંધીનગર :  સરગાસણ ચોકડી પાસે પોતાની મિત્રને ઘરે મૂકવા જઈ રહેલા એક યુવકને યુવતીના ભાઈઓએ રસ્તામાં આંતરી, ગાડીમાં બેસાડી અપહરણ કરી અડાલજ કન્ટેનર યાર્ડ પાસે લઈ જઈ લાકડી અને પંચ વડે ગંભીર માર માર્યો હોવાની ઘટના બની છે. આ મામલે ઇન્ફોસિટી પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ મહેસાણાના વિજાપુરનો અને હાલ ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં સ્નૂકર ગેમિંગ ઝોનમાં નોકરી કરતા ૨૪ વર્ષીય નવઘણ રમેશભાઈ નાથબાવાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત ૨૭ ફેબુ્રઆરીના રોજ રાત્રે આશરે નવ વાગ્યાની આસપાસ તેની મિત્રને બાઈક પર બેસાડી ખોરજ ગામ મૂકવા જઈ રહ્યો હતો. દરમિયાન સરગાસણ ચોકડી પાસે એક ફોર વ્હીલ ગાડી અને બે બાઈક પર આવેલા શખ્સોએ તેને અટકાવ્યો હતો.ગાડીમાંથી ઉતરેલા શખ્સોએ યુવતી સાથે વાતચીત કરવાના બહાને તેને ગાડીમાં બેસાડયો હતો. ત્યાંથી તેને અડાલજ કન્ટેનર યાર્ડ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં આ શખ્સોએ તું મારી બહેન સાથે કેમ ફરે છે તેમ કહી ગાળાગાળી શરૃ કરી હતી.બાદ લાકડી અને પંચ વડે પાંચે શખ્સો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો અને ધમકી આપી નવઘણને પી.ડી.પી.યુ રોડ પર ઉતારી નાસી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવકને ૧૦૮ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનની સારવાર શરૃ કરવામાં આવી હતી તો પોલીસ દ્વારા વિશાલ મનુભાઈ નાથબાવા, ધામક દિનેશભાઈ નાથબાવા, અરવિંદ, પરેશ મનુભાઈ નાથબાવા અને અન્ય એક અજાણી વ્યક્તિ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.