મહુવા પંથકમાં પ્રથમ નોરતે મૂશળધાર 3 ઈંચ વરસાદ

- આસોમાં અષાઢી માહોલે ખેલૈયાઓની ચિંતા વધારી
- ભાવનગરમાં મધરાત્રે ધોધમાર 2 ઈંચ પાણી વરસ્યું, નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા
ભાવનગરમાં મધરાત્રિના બે વાગ્યા બાદ અભ્રમાં વીજળીના ચમકારા બાદ પ્રથમ છાંટા વરસ્યા હતા અને ત્યારબાદ એકાએક ધોધમાર વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર વરસાદી પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા. સવા ત્રણ વાગ્યા પછી વરસાદનું જોર નબળું પડયું હતું. જો કે, ધીમીધારે પાણી વરસવાનું શરૂ રહેતા સવારે ૬ વાગ્યા સુધીમાં ૪૯ મિ.મી. (બે ઈંચ) વરસાદ પડયાનું નોંધાયું છે. આજે આખો દિવસ દરમિયાન શહેરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.
મહુવામાં બે દિવસના અસહ્ય ઉકળાટ બાદ સાંજે ૪-૩૦ કલાક આસપાસ મેહૂલિયો મંડાયો હતો અને માત્ર બે કલાકની અંદર મૂશળધાર ત્રણ ઈંચ પાણી વરસાવી દેતા કોલેજ રોડ, હોસ્પિટલ રોડ, કુંભારવાડા, નૂતનનગર, સ્વામિનારાયણ ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડી હતી. પ્રથમ નોરતે જ વરસાદનું આગમન થતાં ખેલૈયાઓની ચિંતા વધી હતી.
શેત્રુંજી ડેમ ત્રીજા દિવસે ઓવરફ્લો, 5 દરવાજા ખુલ્લા
પાલિતાણાનો શેત્રુંજી ડેમ ગત શનિવારે ઓવરફ્લો થયા બાદ ઉપરવાસમાંથી સતત પાણીની આવક શરૂ રહેતા ત્રીજા દિવસે પણ ડેમના દરવાજા ખુલ્લા રાખવા પડયા છે. આજે સોમવારે રાત્રિના આઠ વાગ્યાની સ્થિતિએ શેત્રુંજી ડેમના પાંચ દરવાજાને એક ફૂટ ખુલ્લા રાખી ૪૫૦ ક્યુસેક પાણીની આવક સામે જાવક શરૂ રખાઈ હતી. બોટાદ જિલ્લાના લીંબાડી ડેમમાં પણ ૪૭૦ ક્યુસેક પાણીની આવક-જાવક શરૂ હોવાનું સિંચાઈ વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.








