Gujarat

નવી સિવિલમાં સ્ક્રબ ટાઇફસ બિમારીનો પહેલો કેસ, 17 દિવસ સારવારથી મહિલા સાજી થઇ

By GS Team
2 Dec 20233 mins read
This article was originally published on 2 Dec 2023
નવી સિવિલમાં સ્ક્રબ ટાઇફસ બિમારીનો  પહેલો કેસ, 17 દિવસ સારવારથી મહિલા સાજી થઇ

- નર્મદાની મહિલાને ચિગાર નામક જંતુ કરડતા ઓરિએન્ટા સુસુગામુશી નામના બેક્ટેરિયાજનિત સ્ક્રબ ટાઈફસ નામની ગંભીર બિમારી થઈ હતી

   સુરત,:

 નર્મદા જિલ્લાના આદિવાસી મહિલા જીવલેણ સ્ક્રબ ટાઈફસ બિમારીમાં સપંડાઇ હતી. જોકે નવી સિવિલમાં મેડીસીન વિભાગના ડોકટરોએ મહિલાને ૧૦ વેન્ટીલેટર સાથે કુલ ૧૭ દિવસની સારવાર આપીને નવજીવન આપ્યુ હતું. જવલ્લે જોવા મળતી સ્ક્રબ ટાઈફસ નામની બિમારીનું  નિદાન થયું હતું. જેનો સુરત નવી સિવિલમાં પ્રથમ કેસ નોંધાયો છે. 

પ્રાપ્ત વિગત મુજબ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કનબુડી ગામમાં ૫૧ વર્ષીય આદિવાસી મહિલા દિવાળી પહેલા જંગલમાં સીતાફળ તોડતી હતી તે વખતે કાનની નીચે જીવાતે ડંખ મારતા કાનની સોજો અને દુઃખાવો શરૃ થતા ખાનગી હોસ્પિટલમાં બે દિવસ સારવાર લીધી હતી. બાદમાં અન્ય હોસ્પિટલમાં લઇ જવા સૂચન કરાતા ગત તા.૧૭મીએ  મહિલાને સુરત નવી સિવિલમાં દાખલ કરાઇ હતી. જયાં તેમને તાવ, લીવર, કીડની અને ફેફસામાં સોજો હોવાનું નિદાન થતા મેડીસીન વિભાગના ડોકટરોની ટીમે સારવાર શરૃ કરી  શરૃઆતમાં શ્વાસ લેવામાં તકલીફના કારણે ૧૦ દિવસ વેન્ટીલેટર પર રખાઇ હતી. ત્યારબાદ કિડનીની સારવાર માટે ચારથી પાંચ વાર ડાયાલિસીસ કરવામાં આવ્યું હતું. ડોકટરની મહેનતને પગલે મહિલા સંપુર્ણ સ્વસ્થ થઇ હતી.

મહિલાને બિમારીનું કારણ જાણવા માટે સુરતની ખાનગી લેબમાં તપાસ કર્યા બાદ સ્ક્રબ ટાઈફસનો રિપોર્ટ એન.સી.ડી.સી, દિલ્હી ખાતે મોકલાયો હતો. ત્યાંથી પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આ સ્ક્રબ ટાઈફસ નામની બીમારી ઓરિએન્ટા સુસુગામુશી નામના બેક્ટેરિયા થતી હોવાનું રિપોર્ટમાં જણાવાયું હતું. આ જીવાણુ જુ આકારનું હોય છે જેને ચિગાર કહેવામાં આવે છે. જે કરડવાના કારણે આ બીમારી થતી હોવાનું નિદાન થયું હતું એમ મેડીસીન વિભાગના ડો. અમીત ગામીતે જણાવ્યું હતું.

 સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, ખાસ કરીને આ બિમારી ખેડૂતોમાં જોવા મળે છે. સુરત સિવિલમાં પ્રથમવાર આ બિમારીનો કેસ આવ્યો છે અને મેડિસીન વિભાગના ડો.અશ્વિન વસાવા, ડો.વિતાન પટેલ, ડો.હર્ષદ આભલા, ડો.રિયા પટેલની ટીમ દ્વારા તેમને ૧૭ દિવસ સઘન સારવાર આપી દર્દીને સ્વસ્થ કર્યો હતા. જે બદલ તેમના પતિ તથા બન્ને દીકરીઓએ ડોકટરો પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે.

 - આ બિમારી ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, હિમાચલ પ્રદેશમાં વધુ જોવા મળે છે

 સ્ક્રબ ટાઈફસ એ એક નવી ઉભરતી ગંભીર પ્રકારની બીમારી છે જે ભારત દેશમાં મુખ્યત્વે ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે. આ બીમારી ઓરિએન્ટા સુસુગામુશી નામના બેક્ટેરિયાથી થાય છે. જીવાણુ જુ આકારનું હોય છે જેને ચિગાર કહેવામાં આવે છે. જ્યારે સંક્રમિત ચિગાર માણસ ને કરડે છે ત્યારે સ્ક્રબ ટાઈફસ થાય છે. સામાન્ય રીતે જીવાણુનું સંક્રમણ ચોમાસા પછી ભેજવાળા વાતાવરણમાં વધારે થાય છે. નદી નાળા ધોધ વગેરે ભીનાશ વાળી જગ્યાએ આ જીવાત વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ રોગમાં જીવાત કરડયા પછી સાતેક દિવસે તાવ, માથા નો દુખાવો, કમળો ઊલટી પેશાબ ઓછો થવો જેવા લક્ષણો જોવા મળે છે જીવાત કરડે ત્યાં  એસ્કાર -સિગારના ડામ જેવું નિશાન જોવા મળે છે. આ રોગ મુખ્યત્વે કિડની, લિવર, ફેફસાં, હાર્ટ અને મગજ જેવા અવયવો પર અસર કરે છે. સારવાર ન કરવામાં આવે તો ૪૦ ટકા સુધી મૃત્યુદર જોવા મળે છે.