Get The App

ગરમીમાં ઓવરહિટીંગનેકારણે વધુ એક એપાર્ટમેન્ટમાં આગ,નિઝામપુરામાં લોકો બહાર દોડી ગયા

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
ગરમીમાં ઓવરહિટીંગનેકારણે વધુ એક એપાર્ટમેન્ટમાં આગ,નિઝામપુરામાં લોકો બહાર દોડી ગયા 1 - image
symbolic
વડોદરાઃ શહેરમાં ગરમીમાં ઓવરહિટિંગને કારણે એપાર્ટમેન્ટમાં આગ લાગવાનો આજે વધુ એક બનાવ બનતાં લોકો જીવ બચાવવા બહાર દોડી ગયા હતા.

વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી એપાર્ટમેન્ટમાં વાયરિંગમાં શોર્ટસર્કિટ થવાના બનાવો બની રહ્યા છે.જેમાં ગઇકાલે વાઘોડિયા ચોકડી પાસે વીઆર વન કોમ્પ્લેક્સના આઠ માળ આગમાં લપેટાતાં ફાયર બ્રિગેડે રહીશોનું રેસ્ક્યૂ કર્યું હતું.આ પહેલાં ત્રણ મહિના પહેલાં ઇલોરાપાર્કના સિનેમોલ તેમજ પંદર દિવસ પહેલાં ગોત્રીના અર્ટિકા કોમ્પ્લેક્સમાં પણ વાયરિંગમાં ભીષણ આગ લાગતાં ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો.

આજે સવારે દસેક વાગે નિઝામપુરાના પતંજલી એપાર્ટમેન્ટમાં મીટરોમાં શોર્ટ સર્કિટ થતાં ધડાકા સાથે આગ લાગી હતી.જેના ધુમાડા ઉપરના ફ્લોરમાં ફેલાતાં લોકો બહાર દોડી ગયા હતા.જો કે રહીશોએ હિંમત પૂર્વક આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

વીજ કંપનીની ટીમ પણ આવી જતાં વીજ કનેક્શન કાપ્યું હતું.જેથી આગ આગળ વધતાં અટકી હતી.ફાયર બ્રિગેડ પણ આવી જતાં આગ કાબૂમાં લીધી હતી.આમ,શહેરના કોમ્પ્લેક્સોમાં બનતા આગના બનાવોથી રહેવાસીઓ માટે જોખમ વધ્યું છે.

વડોદરા નજીક ચિખોદ્રા ગામે સ્ક્રેપના ગોડાઉનમાં આગ 

વડોદરાની આસપાસના સ્ક્રેપના ગોડાઉનો જોખમી બની રહ્યા હોવાનો કિસ્સા વારંવાર બની રહ્યા છે ત્યારે આજે બપોરે તરસાલી-ધનીયાવી રોડ પર ચિખોદ્રા ખાતે સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.પ્લાસ્ટિક તેમજ અન્ય ચીજોને કારણે આગ ઝડપભેર પ્રસરી હતી.જેથી વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવાતાં બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.