Gujarat

વડોદરાની વોર્ડ વિઝાર્ડ મેડિકેરના CEO ડો સંતોષ સામે 28 કરોડની છેતરપિંડીની ફરિયાદ

By GS TEAM
12 Feb 20262 mins read
વડોદરાની વોર્ડ વિઝાર્ડ મેડિકેરના CEO ડો સંતોષ સામે 28 કરોડની છેતરપિંડીની ફરિયાદ

વડોદરાઃ ઇન્કમટેક્સના દરોડા બાદ ચર્ચામાં આવેલી જેતલપુર રોડની વોર્ડ વિઝાર્ડ મેડિકેર કંપનીના સીઇઓ ડો.સંતોષ ગઢવી સામે હોસ્પિટલ માટે હલકી ગુણવત્તાના અને બિનઉપયોગી મેડિકલ સાધનો ખરીદી તેમજ બીજા પણ કોન્ટ્રાક્ટમાં ગેરરીતિ આચરી રૃ.૨૮.૪૭ કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઇ છે.

વોર્ડ વિઝાર્ર્ડ મેડિકેર પ્રા.લિ.એન્ડ હેલ્થ કેર ના ફાઇનાન્સ  હેડ મોહસીનખાન પઠાણે પોલીસને કહ્યું છે કે,અમારી કંપનીના સંચાલક યતિન ગુપ્તે અને શીતલ ભાલેરાવ છે.જેતલપુર રોડ ઉપરાંત નડિયાદ,દહેજ,અને ભરૃચ ખાતે અમારી હોસ્પિટલો આવેલી છે.

કંપનીએ ડો.સંતોષકુમાર હરિભાઇ ગઢવી(હાલરહે.નવજીવનમલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ,કિંખલોડ  બસસ્ટેન્ડ પાસે,બોરસદ મૂળ રહે.ચતુરપાર્ક સોસાયટી-૪,કોરેગાંવ પાર્ક,પૂણે)ને સીઇઓ તરીકે ખરીદી અને અન્ય વહીવટી બાબતોના અધિકાર આપ્યા હતા.જેતલપુર રોડ પર નવી હોસ્પિટલ શરૃ કરવા માટે અમે લોનો પણ લીધી હતી.

જે દરમિયાન તા.૧-૪-૨૦૨૨ થી ૩૧-૧-૨૦૨૫  દરમિયાન સીઇઓ દ્વારા મેડિકલ સાધનોની ખરીદી માટે કંપનીને જાણ કર્યા વગર મનફાવે તે રીતે જુદીજુદી કંપનીઓ પાસેથી ક્વોટેશન્સ મંગાવ્યા હતા અને પરચેઝ ઓર્ડર આપી પેમેન્ટ કર્યા હતા.જેના ઓડિટ દરમિયાન અનેક ગેરરીતિ ધ્યાને આવી હતી.

પોલીસ ફરિયાદમાં કહેવાયું છે કે, ડો.સંતોષ ગઢવીએ મંગાવેલા અનેક સાધનો હલકી ગુણવત્તાના અને બિનઉપયોગી હોવાથી ગોડાઉનમાં મૂકી રાખવામાં આવ્યા છે.તેમણે કેટલીક કંપનીના બોગસ બિલો અને  બોગસ એકાઉન્ટ  બનાવી રકમો ટ્રાન્સફર કર્યાની પણ વિગતો બહાર આવી છે.જ્યારે,હાઉસ કીપિંગ સર્વિસના પણ કર્મચારીના બોગસ બિલો અને ખાતામાં  પગાર ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.તેમણે કંપનીને જીએસટી સહિત કુલ રૃ.૨૮.૪૭ કરોડનું નુકસાન કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે.