Gujarat

ટેમ્પો નીચે કચડાતાં મહિલાનું સારવાર દરમિયાન મોત

By GS TEAM
29 Mar 20261 min read
ટેમ્પો નીચે કચડાતાં મહિલાનું સારવાર દરમિયાન મોત

અમદાવાદ, રવિવાર

અમદાવાદમાં બેફામ વાહન હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે. ગોમતીપુરમાં ટેમ્પો નીચે કચડાતાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે બીજી મહિલાને ટક્કર વાગતાં ગંભીર રીતે ઘાયલ થઇ હતી. ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગોમતીપુરમાં દવા લેવા જતી બે મહિલાને ટક્કર મારી ટેમ્પો મંદિરે અથડાયો ઃ ટ્રાફિક પોલીસે ગુનો નોધ્યો

ગોમતીપુરમાં  રહેતા યુવકે ટ્રાફિક એચ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છોટા હાથી  ટેમ્પોના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતાને રખિયાલમાં દવાખાને દાખલ કર્યા હતા જ્યારે તેમની માતા અને પડોશી મહિલા ગઇકાલે સાંજે દવા લેવા માટે ચાલતા જતા હતા અને સોનેરિયા બ્લોક પાસેથી પસાર થતા હતા.

આ સમયે પૂર ઝડપે આવી રહેલા ટેમ્પો ચાલકે ટક્કર મારતાં ફરિયાદીની માતાના શરીર ઉપર ટેમ્પો ફરી વળતાં માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી જેથી તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતાં સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે ટેમ્પો મંદિરે અથડાયો હતો જેથી ટેમ્પોનો ડ્રાઇવર અને ફરિયાદીની પડોશમાં રહેતી મહિલા રોડ ઉપર પટકાતાં તેઓને શરીરે ઇજાઓ થઇ હતી.