Gujarat

પિતા દર 2 કલાકે 'હું સેફ' લખી ફોટો મોકલતા: દીકરીને શંકા જતાં 'ડિજિટલ એરેસ્ટ'નો ભાંડો ફૂટ્યો, ગાંધીનગરના શિક્ષક સાથે 24 લાખની ઠગાઈ

By GS Team
21 Nov 20262 mins read
TukuTouch Logo
ગાંધીનગરના 52 વર્ષીય શિક્ષક ગૌરાંગકુમાર પટેલને સાયબર ગઠિયાઓએ 7 દિવસ 'ડિજિટલ એરેસ્ટ' રાખી 24 લાખ રૂપિયા પડાવી લીધા છે. આરોપીઓએ ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઈન્ડિયા અને નાશિક પોલીસની ખોટી ઓળખ આપી, આધારકાર્ડના દુરુપયોગનો ડર બતાવી વેરિફિકેશનના નામે RTGS મારફતે આ રકમ ટ્રાન્સફર કરાવી. ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પિતા દર 2 કલાકે 'હું સેફ' લખી ફોટો મોકલતા: દીકરીને શંકા જતાં 'ડિજિટલ એરેસ્ટ'નો ભાંડો ફૂટ્યો, ગાંધીનગરના શિક્ષક સાથે 24 લાખની ઠગાઈ

Gandhinagar Digital Arrest : ગાંધીનગરના સેક્ટર-26માં રહેતા અને અમદાવાદની શાળામાં ફરજ બજાવતા 52 વર્ષીય શિક્ષક ગૌરાંગકુમાર માવજીભાઈ પટેલને સાયબર ગઠિયાઓએ 13 નવેમ્બરથી 19 નવેમ્બર 2026 દરમિયાન 7 દિવસ સુધી ઘરમાં 'ડિજિટલ એરેસ્ટ' રાખી રૂપિયા 24 લાખ પડાવી લીધા છે. આરોપીઓએ ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઈન્ડિયા અને નાશિક પોલીસની ખોટી ઓળખ આપી, તેમના આધારકાર્ડનો દુરુપયોગ ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને મની લોન્ડરિંગમાં થયો હોવાનો ડર બતાવી વેરિફિકેશનના નામે આ રકમ RTGS મારફતે ટ્રાન્સફર કરાવી હતી. આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

નાશિક ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે : સાયબર ગઠિયો

ગાંધીનગરના સેક્ટર-26 સ્થિત કિશાન નગરમાં રહેતા ગૌરાંગકુમાર પટેલ અમદાવાદના દિલ્હી ચકલા ખાતે આવેલી જ્યોત કન્યા વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત 13 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યે તેમના પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઈન્ડિયામાંથી બોલતો હોવાની ઓળખ આપી જણાવ્યું હતું કે, તેમના આધારકાર્ડ પરથી નાશિકમાં એક સીમકાર્ડ ખરીદાયું છે, જેના પરથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો અને હેરેસમેન્ટના મેસેજ મોકલાઈ રહ્યા છે અને નાશિક ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે.

યુનિફોર્મમાં વીડિયો કોલ કરીને શિક્ષકને ડરાવ્યા

​ત્યારબાદ વોટ્સએપ પર 'IPS NASHIK' લખીને મેસેજ આવ્યો હતો. ગઠિયાઓએ પોલીસના યુનિફોર્મમાં વીડિયો કોલ કરીને શિક્ષક ગૌરાંગકુમારને ડરાવ્યા હતા. આરોપીઓએ વોટ્સએપ પર બનાવટી એફઆઈઆર, કેનેરા બેંકના ડેબિટ કાર્ડનો ફોટો, ગ્રેટર કોલાબા મુંબઈ પોલીસના લેટરહેડ પર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે સંડોવણી દર્શાવતો પત્ર અને બનાવટી એરેસ્ટ ઓર્ડર મોકલ્યો હતો.

​ઠગ ટોળકીએ આરોપ મૂક્યો હતો કે, ધરપકડ કરાયેલા ઓ.એમ. અબ્દુલ સલામ નામના શખ્સે મની લોન્ડરિંગના 2 કરોડમાંથી 10 ટકા કમિશન પેટે 20 લાખ રૂપિયા ગૌરાંગકુમારના ખાતામાં મોકલ્યા છે. તપાસના નામે તેમને ઘરમાં જ 'ડિજિટલ એરેસ્ટ' રાખવામાં આવ્યા હતા અને દર બે કલાકે પોતાનો ફોટો પાડી "હું સેફ" લખીને મોકલવાની ફરજ પાડવામાં આવી હતી.

RTGS મારફતે રૂપિયા 24 લાખ ટ્રાન્સફર કરાવ્યા

​આરબીઆઈ (RBI) નો બનાવટી લોગો ધરાવતો લેટર મોકલી ખાતામાં રહેલી રકમની ચકાસણી કરવાનું કહી 17 નવેમ્બરના રોજ ગૌરાંગકુમાર પાસેથી તેમના એક્સિસ બેંકના ખાતામાંથી બેંક ઓફ ઈન્ડિયાના 'SAI PLASTIC' નામના ખાતામાં RTGS મારફતે રૂપિયા 24 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. ગઠિયાઓએ પૈસા મળ્યાની ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયાની બનાવટી પહોંચ પણ મોકલી હતી. જોકે, શિક્ષક સતત બંધ બારણે ફોન પર વાત કરતા હોવાથી તેમની દીકરી નતાશા પટેલને શંકા ગઈ હતી. પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવતા 1930 હેલ્પલાઈન પર જાણ કર્યા બાદ ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.