Get The App

વડોદરા નજીક લાંછનપુરામાં પુત્રની સામે જ પિતા ડૂબ્યા,300 જણા ડૂબ્યા હોવા છતાં સહેલાણીઓનો જમાવડો

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા નજીક લાંછનપુરામાં પુત્રની સામે જ પિતા ડૂબ્યા,300 જણા ડૂબ્યા હોવા છતાં સહેલાણીઓનો જમાવડો 1 - image

વડોદરાઃ વડોદરા નજીક લાંછનપુરા ખાતે મહી સાગરમાં ડૂબવાના સંખ્યાબંધ બનાવો બનતા હોવા છતાં સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે,જે દરમિયાન ગઇકાલે એક યુવક તેના માસૂમ પુત્રની સામે જ તણાઇ જતાં આજે બીજા દિવસે મૃતદેહ મળ્યો હતો.

સાવલી તાલુકામાં મહીસાગરને કાંઠે આવેલું લાંછનપુરા અત્યંત રમણીય સ્થળ છે અને અહીં પથ્થરો વચ્ચેથી પાણી વહેતું હોવાથી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.ઉપરોક્ત સ્થળે અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ લોકો ડૂબ્યા હોવાથી તંત્ર દ્વારા ત્યાં નાહવા પર પ્રતિબંધ મૂકાયો છે અને જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.પરંતુ તેની કોઇ અસર દેખાતી નથી.

ગઇકાલે રવિવાર હતો અને ગરમીનું પ્રમાણ વધુ હોવાથી સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટયા હતા,જેમાં આણંદના નંદનવન ફ્લેટ ખાતે રહેતા મૂળ રાજસ્થાનના વતની મુકેશ જબરારામ સરગરા(૩૨) પણ તેમના પાંચ વર્ષીય પુત્ર અને બે સાળા સાથે નાહવા આવ્યા હતા.

એકાએક મુકેશભાઇ નદીના વહેણમાં તણાવા માંડતા બૂમરાણ મચી હતી.કિનારે બેઠેલા પુત્ર સહિતના લોકો ગભરાઇ ગયા હતા અને એક યુવકે મુકેશભાઇને પકડી પણ લીધા હતા.પરંતુ વહેણ વધુ તેજ હોવાથી અને મુકેશભાઇ મજબૂત બાંધાના હોવાથી યુવક  બચાવી શક્યો નહતો.

વડોદરા ફાયર બ્રિગેડના ઇઆરસીના સૈનિક પરવેઝ મનસૂરીએ કહ્યંુ હતું કે,આજે ફરીથી ફાયર  બ્રિગેડ દ્વારા સર્ચ કરવામાં આવતાં બે કિમી દૂરથી મુકેશભાઇનો મૃતદેહ મળ્યો હતો.સાવલી પોલીસના હેકો ધર્મેશ ઠાકોરે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકના પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરાવી હતી.