Get The App

પંચમહાલ: પાનમ નદીમાં હોડી પલટી જતાં પિતા-પુત્રનું ડૂબી જવાથી કરુણ મોત, પરિવારમાં માતમ

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
પંચમહાલ: પાનમ નદીમાં હોડી પલટી જતાં પિતા-પુત્રનું ડૂબી જવાથી કરુણ મોત, પરિવારમાં માતમ 1 - image


Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાડા ગામનો એક પરિવાર પ્રસંગોપાત મોરવા હડફના બામણા ગામે ગયો હતો, જ્યાંથી હોડીમાં બેસીને પરત ફરતી વખતે પાનમ નદીમાં ડૂબી જવાથી પિતા અને પુત્રના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરા તાલુકાના નાડા ગામના પટેલ ફળિયામાં રહેતા વખતસિંહ ચંદુભાઈ પટેલ ગત 4થી એપ્રિલના રોજ પત્ની રમીલાબેન, પુત્ર હાર્દિક અને પુત્રી આરતી સાથે હોડીમાં બેસી પાનમ નદી ઓળંગીને મોરવા હડફના બામણા ગામે પોતાના સાળાના ઘરે ગયા હતા.

સોમવારે વહેલી સવારે પુત્રીની પરીક્ષા હોવાથી પત્ની અને પુત્રી બાઈક માર્ગે નાડા પરત ફર્યા હતા. જ્યારે સવારે 10 વાગ્યાની આસપાસ વખતસિંહ અને તેમનો પુત્ર હાર્દિક હોડીમાં બેસીને નદી માર્ગે પરત ઘરે જવા નીકળ્યા હતા. આ મુસાફરી દરમિયાન કોઈ અકસ્માત સર્જાતા પિતા-પુત્ર બંને નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

આજે વહેલી સવારે પુત્રનો મૃતદેહ મળી આવ્યો

ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન પિતા વખતસિંહ પટેલ (ઉં.વ. 48) નો મૃતદેહ મળી આવ્યો હતો, જેને પોસ્ટમોર્ટમ માટે મોરવા હડફની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. લાપતા પુત્ર હાર્દિકની શોધખોળ માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી. છેવટે મંગળવારે વહેલી સવારે સ્થાનિક તરવૈયાઓને હાર્દિકનો મૃતદેહ પણ નદીમાંથી મળી આવ્યો હતો.

સામાન્ય રીતે ટૂંકા રસ્તા માટે નદીમાં હોડીનો ઉપયોગ કરતા આ પંથકમાં આ અકસ્માતથી ભારે શોક વ્યાપી ગયો છે. મોરવા હડફ પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. એકસાથે પિતા અને યુવાન પુત્રના મોતથી નાડા ગામમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.