અમદાવાદના વાડજમાં ડમ્પરચાલકનો કહેર : વહેલી સવારે રાહદારીને કચડતાં ઘટનાસ્થળે જ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Wadaj Circle Accident: અમદાવાદમાં બેફામ દોડતા ભારે વાહનોનો કહેર ફરી એકવાર જોવા મળ્યો છે. વાડજ સર્કલ પાસે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાડજની હનુમાનપુરા ચાલીમાં રહેતા ધીરજભાઈ નામના વ્યક્તિ વહેલી સવારે ઘરની બહાર ચા પીવા માટે નીકળ્યા હતા. ચા પીધા બાદ તેઓ જ્યારે ચાલીને પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળમુખા ડમ્પરે તેમને જોરદાર અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ધીરજભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માત બાદ માનવતા નેવે મૂકી ડમ્પર ચાલક ફરાર
અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક માનવતા નેવે મૂકીને વાહન થોભાવવાને બદલે ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ દ્રશ્ય જોઈને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા અને કેટલાક યુવાનોએ પોતાના ટુ-વ્હીલર પર ડમ્પરનો પીછો પણ કર્યો હતો. ફિલ્મી દ્રશ્યોની જેમ જીવના જોખમે ડમ્પરને રોકવાનો પ્રયાસ કરવા છતાં, બેફામ ડમ્પર ચાલક પૂરઝડપે વાહન હંકારીને ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને શોકની લાગણી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: હરાજીમાં ખરીદેલી મિલકતના દસ્તાવેજ નોંધણીનો સત્તાધીશો ઈનકાર ન કરી શકે : ગુજરાત હાઈકોર્ટ
ફરાર ડમ્પર ચાલકનો નંબર ટ્રેસ, પોલીસ દ્વારા ગુનો દાખલ
આ ઘટનાની જાણ થતા જ બી ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ડમ્પરચાલક હાલ ફરાર છે પરંતુ ડમ્પરનો નંબર ઓળખી લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હાલ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ તેમજ ગાડીના નંબરના આધારે ફરાર ચાલકને ઝડપી લેવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.









