Vadodara Accident : અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ઉપર આજે બપોરે બોલેરો કાર અને વાન વચ્ચે થયેલા ગોઝારા અકસ્માતમાં વાનનો ડ્રાઇવર ભડથું થઈ ગયો હતો.
અમદાવાદ વડોદરા એક્સપ્રેસવે ઉપર વડોદરા ટોલનાકા પછી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ચડવાના રસ્તા ઉપર બપોરે 12 વાગ્યાના અરસામાં બોલેરો ગાડી અને વાન વચ્ચે અકસ્માત થતા બંને વાહન સળગ્યા હતા.
અકસ્માત એટલો ભયાનક હતો કે વાનની અંદર ફસાયેલો ડ્રાઇવર આખો ભડથું થઈ ગયો હતો. જ્યારે બોલેરો અને વાનની અંદર કેટલા લોકો સવાર હતા અને એ લોકો ક્યાં ગયા તેની તપાસ માટે ભાદરવા પોલીસ કામે લાગી છે.
વાનમાં ભડથું થયેલા ડ્રાઇવર ની ઓળખ થાય તેમ નહીં હોવાથી વાનના નંબરને આધારે પોલીસ દ્વારા તેની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં ઈજાગ્રસ્તોની તપાસ પણ કરવામાં આવી રહી છે.
વડોદરા ફાયર બ્રિગેડના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના સૈનિક નરવતભાઈ પગીએ કહ્યું હતું કે બંને વાહનોની આગ કાબુમાં લેવા માટે અમારી ટીમોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. વાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાની પણ આ શંકા જણાઈ રહી છે. જે ચોક્કસપણે કહી ના શકાય અને પોલીસ તપાસનો વિષય છે.


