Gujarat

આણંદ જિલ્લામાં ઝરમર વરસાદ વરસતા ખેડૂતવર્ગ ખુશખુશાલ

By GS Team
6 Jul 20201 min read
This article was originally published on 6 Jul 2020
આણંદ જિલ્લામાં ઝરમર વરસાદ વરસતા ખેડૂતવર્ગ ખુશખુશાલ

આણંદ, તા. 6 જુલાઈ 2020, સોમવાર

સમગ્ર આણંદ જિલ્લામાં ગઈકાલ સાંજ બાદ અષાઢી માહોલ જામ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થતા કાળઝાળ ગરમીનો સમાનો કરી રહેલ જિલ્લાવાસીઓએ રાહત અનુભવી છે. સાથે સાથે વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠેલ ખેડૂતો પણ આકાશમાંથી કાચુ સોનું વરસતા આનંદમાં આવી ગયા છે અને ખેતીકામમાં વ્યસ્ત બન્યા છે. આગામી બે દિવસ દરમ્યાન જિલ્લામાં વરસાદી માહોલ રહેશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આણંદ જિલ્લા પુર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ ગઈકાલ રાત્રિના ૮ઃ૦૦ કલાક બાદ જિલ્લામાં ઠેર-ઠેર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસ્યા છે. ગઈકાલ રાત્રિના ૮ઃ૦૦ થી આજે સવારના ૬ઃ૦૦ કલાક સુધીમાં જિલ્લામાં કુલ ૪૬ મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખંભાત તાલુકામાં ૧૮ મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે આંકલાવ તાલુકામાં ૪ મી.મી., ઉમરેઠ તાલુકામાં ૩ મી.મી., તારાપુર તાલુકામાં ૨ મી.મી., પેટલાદ તાલુકામાં ૧૦ મી.મી., બોરસદ તાલુકામાં ૭ મી.મી. અને સોજિત્રા તાલુકામાં ૨ મી.મી. વરસાદ નોંધાયો છે. આજે સવારના સુમારે પણ જિલ્લામાં ઝરમર વરસાદ વરસવાનું ચાલુ રહ્યું હતુ અને જિલ્લાના તમામ તાલુકા મથકો ખાતે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સાંપડયા છે.