Gujarat

ખેતરની જમીનની માપણી કરાવતાં ખેડૂત ઉપર પાઈપ વડે ખૂની હુમલો

By GS TEAM
25 Jan 20262 mins read
ખેતરની જમીનની માપણી કરાવતાં ખેડૂત ઉપર પાઈપ વડે ખૂની હુમલો

લોધીકાના આંબલીયાળા ગામની ઘટના

બાજુમાં જમીન ધરાવતાં દંપતીનું કૃત્ય, લોધીકા પોલીસમાં ખૂનની કોશિષ સહિતની કલમો હેઠળ ફરિયાદ

રાજકોટ: લોધીકા નજીક આંબલીયાળા ગામની હનુમાનધાર સીમમાં ખેડૂત હર્ષદસિંહ દિલુભા જાડેજા (ઉ.વ.૪૯) ઉપર ગામના જ રમેશ ભીમજી સોલંકી અને તેની પત્ની સોનલે પાઈપના આડેધડ ઘા ઝીંકી હિચકારો હુમલો કર્યો હતો. લોધીકા પોલીસે ખૂનની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

ફરિયાદમાં હર્ષદસિંહે જણાવ્યું છે કે બે અઢી મહિના પહેલાં તેના આંબલીયાળી ગામના રવજીભાઈ સોલંકી પાસેથી ખેતર ખરીદ કર્યું હતું. તેની બાજુમાં આરોપી રમેશની જમીન આવેલી છે. પોતાની જમીનની માપણી કરવા માટે આજે માણસો બોલાવ્યા હતા. જેથી જમીનમાં દબાણની ખબર પડે. જે બાબત નહીં ગમતાં આરોપી રમેશે તેની પત્ની સાથે મળી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. 

આજે સવારે તે પોતાની જમીને હતા. માપણી કરાવવાની હોવાથી ભાઈ મયુરસિંહ ઉપરાંત જમીનના માલીક રવજીભાઈ, તેના પુત્ર કેતન ઉપરાંત તેનો પુત્ર દિવ્યરાજસિંહ ત્યાં હાજર હતા. માપણી કરવા માટે આવેલા બે જણાં પોતાનું કામ કરતા હતા ત્યારે તેની તબિયત સારી ન હોવાથી ખેતરના શેઢે પાણીની ટાંકી પાસે જઈ બેસી ગયા હતા.

એવામાં ત્યાં બાઈક ઉપર રમેશ તેની પત્ની સાથે ઘસી આવ્યો હતો. આવીને તેના માથામાં પાઈપના આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. તેની પત્નીએ તેને પકડી રાખ્યા હતા. પાઈપના ઘા મારતા મારતા રમેશ બોલતો હતો કે તું મારી જમીનમાં કેમ ચાલ્યો, આજે તો તારૂ પૂરૂ કરી નાખું. માથામાં પાઈપના ઘાથી બચવા હાથ આડા ધર્યા હતા. તો તેની ઉપર પણ રમેશે પાઈપના ઘા ઝીકયા હતા. તે લોહીલુહાણ હાલતમાં હતા ત્યારે ખેતરમાં હાજર લોકો આવી ગયા હતા અને આરોપીઓના હાથમાંથી પાઈપ લઈ લીધા હતા. 

તેને સારવાર માટે લોધીકા હોસ્પિટલ લવાયા હતા. જયાં માથાના ભાગે ટાંકા લીધા હતા. બંને હાથમાં પણ ઈજા થઈ હતી. લોધીકા પોલીસે ખૂનની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.