Gujarat

વાંકાનેરમાં નકલી તમાકું બનાવતી ફેક્ટરી પકડાઈ, પાંચની ધરપકડ

By GS Team
15 Jul 20192 mins read
This article was originally published on 15 Jul 2019
વાંકાનેરમાં નકલી તમાકું બનાવતી ફેક્ટરી પકડાઈ, પાંચની ધરપકડ

મોરબી,તા. 15 જુલાઈ 2019, સોમવાર

વાંકાનેરમાં મુમના શેરીમાં નકલી તમાકુ બનાવતી ફેકટરી પર એલસીબી ટીમે દરોડો પાડીને લાખોની માલમત્તા જપ્ત કરી પાંચ આરોપીને ઝડપી લીધા હતાં.  આ  મામલે બાગબાન કંપની દ્વારા કોપીરાઈટ એકટ મુજબ ફરિયાદ કરવામાં આવી છે.

મોરબી એલસીબી ટીમે વાંકાનેરના મુમના શેરીના મકાનમાં ચાલતી નકલી તમાકુ બનાવતી ફેકટરી પર દરોડો કર્યો હતો. જેમાં ફેકટરીના સંચાલક ઉસ્માનગની અમીભાઈ સેરશીયા (રહે. અમનપાર્ક સોસાયટી) વાંકાનેર, સરફરાજ મહમદ ભોરણીયા (રહે. પંચાસર તા. વાંકાનેર), મહમદ અસ્લમ  અબ્દુલ રહીમ વડાવીયા (રહે. વાંકાનેર મુમના શેરી), અસ્લમ ઈદ્રીશભાઈ પઠાણ (રહે. રાતીદેવડી તા. વાંકાનેર) અને આદીલ મામદ ભોરણીયા (રહે. પંચાસર તા. વાંકાનેર) ઝડપી લઈ નકલી તમાકુ બનાવવાની મશીનરી, તમાકુનાં ભરેલા અને ખાલી ડબ્બા તેમજ સીલ મશીન સહિત કુલ ૭,૮૪,૦૨૫ ની કિંમતની માલમત્તા જપ્ત કરવામાં આવી હતી.

જે બનાવ સંદર્ભે અમદાવાદના રહેવાસી અને કંપનીના પ્રોપરાઈટર તરીકે ફરજ બજાવતા હિરેનભાઈ મુકેશભાઈ પટેલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં ઉપરોકત પાંચ આરોપીઓએ ગુન્હાહિત કાવતરૂં રચીને આરોપી ઉસ્માનગની સોરશીયાના ભોગવટાવાળા મકાનમાં બાગબાન કંપનીના તમાકુના ડબ્બાને નીચેના ભાગેથી તેમજ મોટા ડબ્બાને ઉપરનાં ભાગેથી સીલ ખોલી તમાકુમાં ભેળસેળ કરી ભેળસેળયુક્ત તમાકુ ઓરીજીનલ તરીકે બજારમાં વેચાણ કરવા ડુપ્લીકેટ તમાકુ બનાવવાની મીની ફેકટરી ચલાવતા હોય તેવી ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ વિરૂધ્ધ કોપીરાઈટ એકટ તથા ટ્રેડ માર્ક એકટ કલમ મુજબ ગુન્હો નોંધી આ અંગે વધુ તપાસ એલસીબી પીઆઈ વી.બી. જાડેજા ચલાવી રહ્યાં છે.