Get The App

રાજકોટ: 'અમે પોલીસ છીએ, ચાલ સ્ટેશને...' કહી આધેડ પાસેથી 30 હજાર પડાવનાર નકલી પોલીસ ઝડપાયો

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
રાજકોટ: 'અમે પોલીસ છીએ, ચાલ સ્ટેશને...' કહી આધેડ પાસેથી 30 હજાર પડાવનાર નકલી પોલીસ ઝડપાયો 1 - image


Fake Police Arrested in Rajkot: રાજકોટમાં નકલી પોલીસ બનીને નિર્દોષ નાગરિકોને ડરાવી પૈસા પડાવતી ટોળકી ફરી સક્રિય થઈ છે. એસ્ટ્રોન ચોક નજીત એક આધેડને આંતરી, પોલીસની ખોટી ઓળખ આપી 30,000 રૂપિયાની લૂંટ ચલાવનાર બે શખસો પૈકી એકને એ-ડિવિઝન પોલીસે દબોચી લીધો છે, જ્યારે તેનો અન્ય એક સાથીદાર હાલ ફરાર છે.

ફિલ્મી ઢબે આધેડનું અપહરણ 

મળતી માહિતી અનુસાર, શહેરના પરા પીપળિયા વિસ્તારમાં રહેતા જનાર્ધન સહાની નામના આધેડ સાથે આ ઘટના 25મી ફેબ્રુઆરીએ બની હતી. જનાર્ધનભાઈ જ્યારે કામ પરથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે એસ્ટ્રોન ચોક પાસે મોપેડ પર આવેલા બે શખ્સોએ તેમને રોક્યા અને કહ્યું, 'અમે પોલીસ છીએ, તું પોલીસ સ્ટેશન ચાલ.' આધેડે પોતાનો વાંક પૂછતા જ નકલી પોલીસે તેમનો મોબાઈલ અને બાઈકની ચાવી આંચકી લીધી હતી. ત્યારબાદ તેમને અલગ-અલગ વિસ્તારોમાં ફેરવીને માનસિક દબાણ બનાવ્યું હતું. આરોપીઓએ પહેલા ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવાનું દબાણ કર્યું, પરંતુ આધેડે અસમર્થતા દર્શાવતા તેમને રાજનગર ચોક તરફ લઈ ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં માનવતા લજાઈ: માસૂમ સાથે અડપલાં કરનાર વૃદ્ધ ઝડપાયો, માતાએ Live CCTVમાં કરતૂત જોઈ દીકરીને ઉગારી

મિત્ર પાસેથી ઉછીના પૈસા મંગાવ્યા

નકલી પોલીસના ડરથી આધેડે પોતાના મિત્રને ફોન કરી 30,000 રૂપિયાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. રાજનગર ચોક પાસે મિત્ર પાસેથી રોકડા 30,000 રૂપિયા લઈને આરોપીઓને આપતા જ તેઓ બાઈકની ચાવી પરત કરી નાસી છૂટ્યા હતા.

બનાવ અંગે ફરિયાદ નોંધાતા એ-ડિવિઝન પોલીસે ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. નકલી પોલીસ બનીને લૂંટ કરનાર શખસો સંદિપ રામાવત અને અલ્તાફ મેમણ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સંદિપ રામાવતની ધરપકડ કરી તેની પાસેથી લૂંટના રોકડા 30,000 રૂપિયા, મોબાઈલ અને મોપેડ સહિત કુલ 80,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલ અલ્તાફ મેમણ હજુ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.