અમદાવાદના સોલામાં બ્રાન્ડેડના નામે નકલી ઘડિયાળો પધરાવતા નેટવર્ક પર LCBનો દરોડો, 2.79 લાખનો મુદ્દામાલ કબજે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Fake Branded Watch Racket : અમદાવાદના સોલા વિસ્તારમાં બ્રાન્ડેડ ઘડિયાળોના નામે ડુપ્લીકેટ માલ પધરાવતા એક વેપારીને લોકલ ક્રાઈમ બ્રાન્ચે(LCB) ઝડપી પાડ્યો છે. G-Shock અને Bulgari જેવી મોંઘીદાટ બ્રાન્ડની નકલી ઘડિયાળો વેચતા આ શખસ પાસેથી પોલીસે અંદાજે 2.79 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સોલામાં બ્રાન્ડેડ ઘડિયાળોના નકલી નેટવર્ક પર પોલીસનો દરોડો
અમદાવાદ શહેર પોલીસના G-Shockની લોકલ ક્રાઈમ બ્રાન્ચને સચોટ બાતમી મળી હતી કે, સોલા-ગોટા વિસ્તારમાં આવેલા વંદેમાતરમ રોડ પરની એક દુકાનમાં જાણીતી કંપનીઓના નામે નકલી ઘડિયાળોનું વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે પોલીસની ટીમે દુકાન પર ઓચિંતો દરોડો પાડ્યો હતો.

132 ડુપ્લીકેટ ઘડિયાળો મળી આવી
પોલીસ તપાસ દરમિયાન દુકાનમાંથી કુલ 132 નંગ શંકાસ્પદ નકલી ઘડિયાળો મળી આવી હતી. જેમાં Casio, G-Shock, Edifice અને લક્ઝરી બ્રાન્ડ Bulgariના લોગો ધરાવતી ઘડિયાળોનો સમાવેશ થાય છે. આ તમામ ઘડિયાળોની કુલ બજાર કિંમત 2.79 લાખ રૂપિયા આંકવામાં આવી છે.
દુકાન માલિકની ધરપકડ
પોલીસે આ મામલે ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય મૌલિક અશ્વિનભાઈ પારેખની ધરપકડ કરી છે. મૌલિક જ આ દુકાનનો માલિક છે અને તે છેલ્લા કેટલાક સમયથી ગ્રાહકોને અસલ બ્રાન્ડેડના નામે નકલી ઘડિયાળો પધરાવી રહ્યો હોવાનું ખૂલ્યું છે. સોલા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ, 1957ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સપ્લાય ચેઈનની તપાસ તેજ
હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે, મૌલિક આ નકલી ઘડિયાળો ક્યાંથી લાવતો હતો અને આ રેકેટમાં અન્ય કોઈ મોટા વેપારીઓ કે હોલસેલરો સંડોવાયેલા છે કે કેમ. આટલી મોટી માત્રામાં નકલી બ્રાન્ડેડ માલ ક્યાંથી સપ્લાય કરવામાં આવતો હતો તે અંગે પણ પોલીસ કડીઓ મેળવી રહી છે.








