Get The App

અખાતી દેશોમાં ઈલેક્ટ્રિકલ ઉપકરણોની રૃા.2000 કરોડની નિકાસને ફટકો વાગશે

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
અખાતી દેશોમાં ઈલેક્ટ્રિકલ ઉપકરણોની રૃા.2000 કરોડની  નિકાસને ફટકો વાગશે 1 - image

વડોદરાઃ અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન સામે શરુ કરેલા યુધ્ધના પગલે ઉદ્યોગોને પણ ફટકો પડી રહ્યો છે.વડોદરા ઈલેક્ટ્રિકલ ઉપકરણોના ઉત્પાદનનું હબ મનાય છે.યુધ્ધના કારણે આ ઉપકરણો બનાવનારા ઉદ્યોગો પણ ચિંતામાં મૂકાયા છે.તેની સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, યુધ્ધના કારણે વડોદરામાંથી મિડલ ઈસ્ટના વિવિધ દેશોમાં ઈલેક્ટ્રિકલ ઉપકરણોની વાર્ષિક ૨૦૦૦ કરોડ રુપિયાની નિકાસ પર અસર થવાની શક્યતાઓ છે.

મળતી જાણકારી પ્રમાણે વડોદરા અને વડોદરાની આસપાસ ૧૦૦૦ જેટલા નાના- મોટા ઉદ્યોગો પાવર સેકટર માટેના ઈલેક્ટ્રિકલ ઉપકરણોનું ઉત્પાદન કરે છે અને તેમાંથી ૧૦૦ થી વધારે ઉદ્યોગો મિડલ ઈસ્ટ સહિતના યુએઈ(દુબઈ), કતાર, સાઉદી અરબ, ઈરાન, ઈરાક, યમન, સિરિયા( વાયા દુબઈ)જેવા વિવિધ દેશોમાં તેની  નિકાસ કરે છે.ખાડી દેશોમાં થતી નિકાસનો આંકડો વાર્ષિક ૨૦૦૦ કરોડ રુપિયા જેટલો છે.યુધ્ધ લંબાયુ તો ૧૫ દિવસ બાદ તેની અસર જોવા મળી શકે છે.કારણકે યુધ્ધના કારણે આ દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસ સ્વાભાવિક રીતે અટકી ગયા હોવાથી ઈલેક્ટ્રિકલ ઉપકરણોની ડિમાન્ડમાં ઘટાડો નોંધાશે.તેના કારણે ઉદ્યોગોની નિકાસમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.

સૂત્રોનું કહેવું છે કે, એમ પણ યુધ્ધના કારણે સપ્લાય ચેઈન પણ ખોરવાઈ રહી છે.બીજી તરફ મિડલ ઈસ્ટ તરફ જતા જહાજોનું ઈન્સ્યોરન્સ પ્રિમિયમ વધી ગયું છે.કન્ટેનરોના ભાડા વધી ગયા છે.આમ ઉદ્યોગો સામે એક કરતા વધારે પડકારો ઉભા થયા છે.

પ્લાસ્ટિકના ભાવમાં વધારાથી ઉત્પાદન ખર્ચમાં પણ વધારો 

યુધ્ધના કારણે પ્લાસ્ટિકના ભાવમાં ૩૦ ટકા સુધીનો વધારો થયો છે.મોટાભાગના ઈલેક્ટ્રિકલ ઉપકરણોમાં ઈન્સ્યુલેટર તરીકે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે.કેટલાક ઈન્સ્યુલેટર ઉદ્યોગો દ્વારા બહારથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે.આમ પ્લાસ્ટિકનો ભાવ વધવાથી પ્રોડક્શન કોસ્ટ વધી રહી છે.ઉપરાંત બહારથી ઈમ્પોર્ટ થતા ઈન્સ્યુલેટરનો સપ્લાય પણ અનિયમિત થઈ રહ્યો છે.

યુધ્ધ પૂરુ થયા બાદ બમણી ડિમાન્ડનો પણ આશાવાદ

ઉદ્યોગકારોમાં એક આશાવાદ એવો પણ છે કે, યુધ્ધ લંબાવાથી નિકાસમાં ભલે અત્યારના તબક્કે ઘટાડો થાય પણ ભવિષ્યમાં મિડલ ઈસ્ટના દેશોમાં યુધ્ધના કારણે થયેલા નુકસાનના કારણે નવેસરથી સુવિધાઓ ઉભી કરવી પડશે તેમજ અધૂરા પ્રોજેકટસ પણ પૂરા કરવા પડશે.જેના કારણે ડિમાન્ડમાં ફરી વધારો પણ થશે અને તેનો લાભ શહેરના ઉદ્યોગોને મળશે.

કયા ઉપકરણોની નિકાસ 

ટ્રાન્સફોર્મર્સ , સ્ટેટિક કન્વર્ટર્સ, વાયર, કોપર પ્રોડક્ટસ,કેબલિંગ ઈક્વિપમેન્ટસ, ઈલેક્ટ્રિક મોટર્સ, જનરેટર પંપ, સ્વિચ, સરકિટ બ્રેકર્સ, પ્રિન્ટેડ સરકિટસ, ટાઈમર્સ, વાયરિંગ એસેસેરી, પેનલ, ટર્મિનલ, કનેકટર, ઈન્ટરફેસ મોડયુલ, સોલાર અને વિન્ડ એનર્જી પ્રોડકટસ