Explainer: દેશમાં સમાન નાગરિક ધારો લાગુ કરવામાં આવી રહેલી અડચણો, જાણો ગુજરાતથી લઈને ઉત્તરાખંડથી સ્થિતિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UCC in India: Uniformity vs. Diversity: ભારતીય બંધારણના રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોની કલમ 44 દેશના તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code- UCC) લાગુ કરવાનો નિર્દેશ આપે છે. આઝાદીના 79 વર્ષથી વધુ સમય પછી આજે દેશભરમાં UCC અંગે ગંભીર ચર્ચા અને કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે. વ્યક્તિગત કાયદાઓ (Personal Laws)થી પર જઈને ધર્મ કે જાતિના ભેદભાવ વિના દરેક નાગરિકને સમાન કાનૂની સુરક્ષા આપવી એ આ વ્યવસ્થાનો મુખ્ય ધ્યેય છે.
આ દિશામાં ઉત્તરાખંડ અને ગોવા જેવા રાજ્યોએ નક્કર પગલાં ઉઠાવ્યા છે, તો ગુજરાત જેવા ઘણાં રાજ્યોમાં UCCની કામગીરી અમુક કારણોસર ખોરંભાયેલી છે. ચાલો જાણીએ, આ બહુચર્ચિત કાયદાનો અમલ કરવાની પ્રક્રિયા કયા રાજ્યમાં ક્યાં પહોંચી છે.
સૌથી પહેલાં UCC શું છે તે 5 મુદ્દામાં સમજીએ
- સમાન કાનૂન: ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના તમામ નાગરિકો પર એક સરખો કાયદો લાગુ થશે.
- લગ્ન, છૂટાછેડા અને ઉત્તરાધિકાર: લગ્ન, છૂટાછેડા, મિલકત અને ઉત્તરાધિકાર જેવા વિષયોમાં એક સમાન નિયમો લાગુ થશે.
- સૌ માટે બરાબરી: દરેક નાગરિકને સમાન અધિકાર અને સમાન ન્યાય મળશે.
- મહિલાઓ અને બાળકોને સુરક્ષા: ઉત્તરાધિકાર અને વૈવાહિક બાબતોમાં મહિલાઓ તેમજ બાળકોના અધિકારોનું બહેતર રક્ષણ થશે.
- રાષ્ટ્રીય એકતાને વધાવો: દેશમાં સમાનતા, ભાઈચારો અને રાષ્ટ્રીય એકતાને મજબૂતી મળશે.
UCC બિલના મુખ્ય અંશો અને નિયમો
આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ધર્મના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ-ઇન રિલેશનશિપ જેવા વિષયોમાં એકસમાન કાયદો લાવવાનો છે. આ કાયદો રાજ્યમાં રહેતા તમામ લોકો ઉપરાંત રાજ્ય બહાર રહેતા મૂળ રહેવાસીઓને પણ લાગુ પડશે.
લગ્ન અને છૂટાછેડા અંગેના નિયમો
- દરેક નાગરિક માટે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. જો લગ્નની નોંધણી કરવામાં નહીં આવે, તો 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
- એકથી વધુ લગ્ન (બહુપત્નીત્વ) કરનાર વ્યક્તિને 4 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
- છૂટાછેડાના નિયમો તમામ ધર્મ અને સમાજ માટે સમાન રહેશે. કોર્ટની બહાર લેવાયેલા છૂટાછેડા અમાન્ય ગણાશે અને આવું કરનાર સજાને પાત્ર રહેશે.
લિવ-ઇન રિલેશનશિપ અંગેના નિયમો:
- લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલોએ 3 મહિનાની અંદર તેની નોંધણી કરાવવી પડશે, જેનો મુખ્ય હેતુ કાનૂની સુરક્ષા આપવાનો અને છેતરપિંડી રોકવાનો છે.
- આવા સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસર ગણવામાં આવશે અને તેમને તમામ કાયદાકીય હકો મળશે.
વિશેષ છૂટછાટ
- સામાજિક સંતુલન જાળવવા માટે અનુસૂચિત જનજાતિઓ (ST)ને કાયદાના દાયરામાંથી બાકાત રાખવામાં આવી છે.
- લઘુમતી સમાજમાં ચાલતી પિતરાઈ ભાઈ-બહેન સાથેના લગ્નની પરંપરા પર પણ આ કાયદો લાગુ થશે નહીં.
UCC લાગુ કરવામાં મુખ્ય અડચણો શું છે?
દેશભરમાં UCC લાગુ કરવા સામે મુખ્યત્વે 3 મોટા પડકાર છે.
- સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતા: ભારતમાં વિવિધ ધર્મો અને સમુદાયોના પોતાના આગવા પર્સનલ લૉ અને સદીઓ જૂની રૂઢિગત પરંપરાઓ છે, જેમાં એકરૂપતા લાવવી જટિલ છે.
- વહીવટી અને ટેકનિકલ માળખું: લાખો લગ્નો, છૂટાછેડા અને લિવ-ઇન સંબંધોની નોંધણી માટે મજબૂત ઓનલાઇન પોર્ટલ અને વહીવટી સ્ટાફ તૈયાર કરવો મોટો પડકાર છે.
- રાજકીય અને સામાજિક મતભેદો: વિવિધ રાજકીય પક્ષો અને સમુદાયો દ્વારા બંધારણીય અધિકારો અને ધાર્મિક સ્વતંત્રતાને લઈને ઉઠાવવામાં આવતા વાંધા.
દરેક રાજ્યમાં UCC ની સ્થિતિ શું છે?
- ઉત્તરાખંડ: UCC લાગુ કરનાર પ્રથમ રાજ્ય
27 જાન્યુઆરી, 2025 ના રોજ ઉત્તરાખંડ UCC લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું. અહીં લગ્ન, છૂટાછેડા, વારસો, મિલકત અને કૌટુંબિક બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન કાનૂની વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી છે. બંધારણીય જોગવાઈઓ મુજબ અનુસૂચિત જનજાતિ (ST)ને આ કાયદામાંથી મુક્તિ અપાઈ છે. અહીં લગ્નો અને લિવ-ઇન સંબંધોની નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે અને બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. - ગોવા: ભારતનો સૌથી જૂનો સામાન્ય નાગરિક સંહિતા
ગોવામાં પોર્ટુગીઝ શાસન દરમિયાન લાગુ કરાયેલ 1867નો ‘પોર્ટુગીઝ નાગરિક સંહિતા’ (Portuguese Civil Code) સુધારેલા સ્વરૂપમાં વર્ષોથી અમલમાં છે. અહીં મોટાભાગના નાગરિકો માટે સમાન નાગરિક કાયદો છે, જેમાં લગ્ન અને મિલકતના નિયમો સમાન રાખવામાં આવ્યા છે અને પતિ-પત્ની વચ્ચે સંયુક્ત મિલકતની જોગવાઈ છે. રાષ્ટ્રીય સ્તરે UCC ની ચર્ચામાં ગોવા મોડેલ હંમેશાં ઉદાહરણ તરીકે રજૂ થાય છે. - ગુજરાત: કાયદો પસાર થયો, અમલીકરણ બાકી
ગુજરાત વિધાનસભાએ 24 માર્ચ, 2026ના રોજ UCC બિલને મંજૂરી આપી દીધી હતી. સરકાર હાલમાં જરૂરી વહીવટી માળખું, ડિજિટલ પોર્ટલ અને વિગતવાર નિયમો ઘડી રહી છે, જેથી અમલીકરણ સમયે નાગરિકોને મુશ્કેલી ન પડે. ગુજરાત મોડેલમાં ઉત્તરાખંડની મોટાભાગની જોગવાઈઓ અપનાવાઈ છે અને રૂઢિગત અધિકારો ધરાવતા ST સમુદાય તેમજ લઘુમતી સમાજને જરૂરી છૂટછાટ આપવામાં આવી છે. મહત્વનું છે કે ગુજરાતમાં 145 દિવસ એટલે કે 5 મહિના આસપાસનો સમય વીતી ગયા હોવા છતાં પણ હજુ સુધી આ કાયદાનું અમલીકરણ થયું નથી. જે તે વખતે વિપક્ષે પણ ઉતાવળથી બિલ પાસ કરાવ્યું હોવાનો આરોપ કર્યો હતો. - મધ્ય પ્રદેશ: વિધાનસભા દ્વારા પસાર, અમલ બાકી
મધ્યપ્રદેશ વિધાનસભા દ્વારા પણ UCC બિલ પસાર થઈ ચૂક્યું છે. હાલમાં આ કાયદો રાજ્યપાલની મંજૂરી અને જરૂરી વહીવટી નિયમો ઘડવાની પ્રક્રિયા હેઠળ છે. અંતિમ જાહેરનામું બહાર પડ્યા પછી રાજ્યમાં વ્યક્તિગત કાયદાઓની જગ્યાએ આ સમાન સંહિતા સંપૂર્ણપણે લાગુ થઈ જશે. - રાજસ્થાન: ડ્રાફ્ટ તૈયાર, કાયદો બનવાની તૈયારી
રાજસ્થાન સરકારે UCC નો પ્રારંભિક ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે અને તેને વિધાનસભામાં રજૂ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ ડ્રાફ્ટ મુજબ 60 દિવસની અંદર તમામ લગ્નોની ફરજિયાત નોંધણી, છૂટાછેડા-વારસા માટે સમાન કાનૂન અને લિવ-ઇન સંબંધો અંગેની કાનૂની જોગવાઈઓ લાગુ કરવાનું આયોજન છે. - પશ્ચિમ બંગાળ: હાલમાં ફક્ત રાજકીય ચર્ચા
પશ્ચિમ બંગાળમાં UCC મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય ચર્ચાઓ અને મતભેદો ચાલી રહ્યા છે. રાજ્ય સરકારે હજુ સુધી કોઈ ઔપચારિક બિલ રજૂ કર્યું નથી કે તેના અમલ માટે કોઈ કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી નથી.
દેશમાં UCC ના અમલીકરણની ગતિ વિવિધ રાજ્યોમાં અલગ-અલગ તબક્કે છે. ગોવા અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં તે અમલમાં આવી ચૂક્યો છે, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને અમલ કરવાની તૈયારીમાં છે, જ્યારે અન્ય રાજ્યોમાં કાયદાકીય ડ્રાફ્ટિંગ અને રાજકીય ચર્ચા ચાલી રહી છે.




