ડેટા કંપનીના મેનેજરે દરવાજો બંધ કરી મહિલા કર્મચારીની છેડતી કરી

અમદાવાદ, સોમવાર
છેડતીના બનાવો વધતા મહિલાઓની સુરક્ષા જોખમાઇ રહી છે. જશોદાનગર પાસે આવેલી ડેટા કંપનીના મેનેજરે મહિલા કર્મચારીને મિંટીંના બહાને બોલાવી હતી ત્યારબાદ ઓફિસનો દરવાજો બંધ કરીને શારિરીક અડપલાં કરીને છેડતી કરવા લાગ્યો હતો. જો કે મહિલાએ પતિનો ફોન આવ્યો છે ફોન અહિયાં અવાજ આવતો નથી કહીને છટકીને ઓફિસમાંથી ભાગી ગઇ હતી. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસે મેનેજર સામે છેડતીનો ગુનો નોંધીને ઓફિસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.
પતિ દોડી આવતાં આરોપી મેનેજર ભાગી ગયો ઃ વટવા જીઆઇડીસી પોલીસ દ્વારા છેડતીનો ગુનો નોંધી ઓફિસના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ
પાલડીમાં રહેતી અને જશોદાનગર પાસે આવેલી એક ડેટા કંપનીમાં નોકરી કરતી મહિલાએ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં વટવા ખાતે રહેતા કંપની મેનેજર સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલા ફિલ્ડમાં જઇને લોકોના ફિડબેક લેવાનું કામ કરી રહી છે. આરોપી કંપની મેનેજરે ગઇકાલે રવિવારે રજા હોવા છતાં મહિલાને ફોન કરીને કંપનીની મિંટિંગ હોેવાથી ઓફિસે આવવું પડશે તેમ કહ્યું હતું,જેથી મહિલાએ ઘરમાં રિનોવેશનનું કામ ચાલતું હોવાથી આવી શકાશે નહી તેમ કહેતા મેનેજરે મોડામાં મોડુ સાંજે પાંચ વાગ્યા સુધી આવવાનું કહ્યું હતું.
જેથી પતિને જાણ કરીને મહિલા ઓફિસે પહોચી હતી જ્યાં મેનેજરે મહિલાને આફિસમાં બોલાવ્યા બાદ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ મહિલાએ સ્ટાફના માણસો કેમ નથી કહીને દરવાજો કેમ બંધ કર્યો તેમ પૂછતા મેનેજર મહિલા કર્મચારીની ખુરસી પાસે જઇને શારીરિક અડપલાં કરીને છેડતી કરવા લાગ્યો હતો. ગભરાઇને દરવાજો ખુલ્લો છે તેમ કહેતા મેનેજર દરવાજા તરફ ગયો હતો દરમિયાન મહિલાએ પતિને ફોન કરીને અવાજ નથી આવતો કહીને ચાલાકી વાપરીને ઓફિસની બહાર નીકળીને જતી હતી. બાદમાં પતિને લઇને ઓફિસે આવતા આરોપી મેનેજર ભાગી ગયો હતો.









