Gujarat

ગીતા મંદિર એસટી સ્ટેન્ડ રિક્ષા ચાલકને ચાકુના ઘા મારી લોહી લુહાણ કર્યો

By GS TEAM
28 Nov 20251 min read
ગીતા મંદિર એસટી સ્ટેન્ડ  રિક્ષા ચાલકને ચાકુના ઘા મારી લોહી લુહાણ કર્યો

અમદાવાદ,શુક્રવાર

પૂર્વમાં અસામાજિક તત્વો બેફાન બનીને નિર્દોષ લોકો ઉપર ઘાતક હુમલા કરી રહ્યા છે. ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પાસે રિક્ષા અડતા અડતા રહી જતા રિક્ષા ચાલક સાથે તકરાર કરી હતી અને  માર મારીને આડેધડ  ચાકુના ઘા મારી યુવકને લોહી લુહાણ કર્યા બાદ જતા જતા અમે અહિયાના દાદા છીએ ફરીથી દેેખાતો નહી તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.

યુવક જીવ બચાવીને બસ સ્ટેન્ડમાં ભાગ્યો ઃ સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ, કાગડાપીઠ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી

દાણીલીમડામાં  રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અમુ, મેહુલ અને સાહીલ સામે ફરિયાદ નોધાવી છે કે ગઇકાલ રાત્રે રિક્ષા લઇને ગીતા મંદિર ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા અને  એસટી સ્ટેન્ડના ગેટ પાસે રિક્ષા પાર્ક કરતા હતા. આ સમયે ઉપરોક્ત આરોપીઓ ત્યાં ઉભા હતા. રિક્ષા અડતા રહી જતા ત્રણેયે ભેગા મળીને યુવક સાથે તકરાર કરીને માર મારવા લાગ્યા હતા. 

આવેશમાં આવીને ચાકુના પાંચ ઘા મારીને યુવકને લોહી લુહાણ કર્યો હતો. યુવક જીવ બચાવીને બસ સ્ટેન્ડમાં જતો રહ્યો  હતો. બુમાબુમ થતા લોકો આવી જતા શખ્સોએ અહિયાના અમે દાદા છીએ ફરી અહી દેખાતો નહી કહીને ધમકી આપી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.