Gujarat

ભાજપના પૂર્વ કોર્પોરેટરની ઓફિસે પેરાલ પર આવેલા શખ્સો દ્વારા તોડફોડ

By GS TEAM
31 Mar 20262 mins read
ભાજપના પૂર્વ કોર્પોરેટરની ઓફિસે પેરાલ પર આવેલા શખ્સો દ્વારા તોડફોડ

અમદાવાદ, મંગળવાર

બાપુનગરમાં જેલમાંથી પેરોલ ઉપર આવેલા શખ્સોને વૃદ્ધના પુત્રએ ખર્ચના રૃપિયા આપવાનો ઇન્કાર કર્યો હતો જેને લઇને મધરાતે આવેલા ચાર લોકોએ વૃદ્ધને પાઇપના ફટકા મારીને ગંભીર રીતે ઘાયલ કર્યા  હતા અને  ભાજપના પૂર્વ કોર્પોરેટરની ઓફિસ બહાર તથા વાહનોમાં પણ તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નાંેધીને સીસીટીવી ફૂટેજ આધારે આરોપીઓની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

તમારો પુત્ર ક્યાં છે  તેની પાસે ખર્ચના રૃપિયા લેવાના છે કહી હુમલો કરીને  વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યો ઃ બાપુનગર પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો

બાપુનગરમાં ગાયત્રી મંદિર પાસે  રહેતા વૃદ્ધે બાપુનગર પોલીસ સ્ટેશનમાં કૃષ્ણનગરમાં રહેતા જીગર પટેલ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે પાંચ વર્ષ પહેલા તેમના દિકરાની પત્નીએ આપઘાત કર્યો હતો. તેમાં પુત્ર પર કેસ થતા તે પાંચ  વર્ષ પહેલા સેન્ટ્રલ જેલમાં ગયો હતો. ત્યાં તેને  ત્યાં આરોપી  સાથે મુલાકાત થઇ હતી. જ્યારે આરોપી પેરોલ પર છૂટે તે વખતે તેમના પુત્રને મળવા આવતો અને ખર્ચના રૃપિયા લઇ જતો હતો. ત્રણ દિવસ આરોપીએ તેમના પુત્રને ફોન કરીને નિકોલ શુકન ચાર રસ્તા મળવા બોલાવ્યો હતો. જેથી તેમનો પુત્ર તેના મિત્રને સાથે ગયો હતો. જ્યાં ખર્ચના રૃપિયા બાબતે ફરિયાદીના પુત્ર અને આરોપી વચ્ચે ઝઘડો થતાં તે ધક્કો મારીને ઘરે આવી ગયો હતો.

જેની અદાવત રાખીને ગઇકાલે રાત ફરિયાદી વૃદ્ધ ઘરની બહાર સૂતા હતા ત્યારે આરોપી અને તેનો ભાઇ સહિત ચાર લોકો આવ્યા હતા અને તમારો પુત્ર ક્યાં છે મારે ખર્ચના રૃપિયા લેવાના છે કહીને ગાળો બોલીને તમારો પુત્ર જ્યાં મળશે તેને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને વૃદ્ધને લોખંડની પાઇપના ફટકા માર્યા હતા. બાદમાં ચારેયે ભેગા મળીને બે બાઇક અને ભાજપના પૂર્વ કોર્પોરેટરની ઓફિસ બહાર તિજોરી, પંખામાં તોડફોડ કરીને આતંક મચાવીને ભાગી ગયા હતા.