Gujarat

EPFO પેન્શનરો સુંદરકાંડના પાઠ, કુરાનનું પઠન કરી સરકારને જગાડશે

By GS TEAM
26 Dec 20252 mins read
EPFO પેન્શનરો સુંદરકાંડના પાઠ,  કુરાનનું પઠન કરી સરકારને જગાડશે

જૂનાગઢમાં સોમવારે સત્યાગ્રહ કાર્યક્રમ : માસિક લઘુત્તમ પેન્શન 7500 આપવામાં સરકારની 'નરો વા કુંજરો વા' નીતિ સામે બુઝુર્ગ પેન્શનરોમાં ઉગ્ર રોષ

જૂનાગઢ, : જૂનાગઢમાં સોમવારે સત્યાગ્રહના માર્ગે ઇપીએફ પેન્શનરો સુંદરકાંડના પાઠ અને કુરાનનું પઠન કરી કેન્દ્ર સરકારને જગાડવાનો પ્રયાસ કરશે. માસિક લઘુત્તમ પેન્શન 7500 આપવામાં સરકારની 'નરો વા કુંજરો વા' નીતિ સામે દેશના લાખો બુઝુર્ગ પેન્શનરોમાં ઉગ્ર રોષની લાગણી પ્રસરી છે. 

કચ્છ કાઠીયાવાડ અને ગુજરાત નિવૃત કર્મચારી મંડળ દ્વારા ઇપીએફ કમિશનર નવી દિલ્હીને આવેદન આપી પત્રથી વ્યથા ઠાલવી છે કે, બુઝુર્ગ નિવૃત પેન્શનરો માસીક લઘુત્તમ પેન્શન 7500 મળે તે માટે વર્ષોથી લડત ચલાવી રહ્યા છે. આ પ્રશ્ને નાણાંમંત્રીથી લઈ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સહકાર મંત્રીને રજુઆત કરાતા 7500 નું પેન્શન આપવાનો સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો હોવા છતાં ઇપીએફ કચેરી તે આદેશનું પાલન કરવામાં વિલંબ કરી રહી છે. પેન્શનરો હજુ ન્યાયની આશા રાખી રહ્યા છે. સરકાર અને તંત્રની સદબુદ્ધિ માટે જૂનાગઢમાં મંડળના નેજા હેઠળ ઇપીએફ પેન્શનરો દ્વારા તા. 29ના સોમવારે સવારે 10થી 12, ક્રિસ્ટલ કોમ્પ્લેક્ષ, ચિતાખાના ચોક ખાતે સુંદરકાંડના પાઠ અને કુરાનનું પઠન કરવામાં આવશે. FPF 95 આધારિત દેશભરના 78 લાખથી વધુ પેન્શનરોને વર્ષોથી મામુલી પેન્શન મળી રહ્યું છે જે આજની મોંઘવારીના સમયમાં મજાકપાત્ર રકમ છે. મંડળ દ્વારા આવેદનની નકલ જૂનાગઢ ઇપીએફ કચેરી અને કેન્દ્રના શ્રમ-રોજગાર મંત્રીને પણ મોકલી  કેન્દ્ર સરકાર દ્વારા બુઝુર્ગ પેન્શનરોના હિતમાં સત્વરે નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી છે.