Gujarat

મેડિકલની વિદ્યાર્થિનીનો ન્યૂડ વીડિયો અપલોડ કરનાર એન્જિનિયર ઝડપાયો

By GS TEAM
4 Nov 20252 mins read
મેડિકલની વિદ્યાર્થિનીનો ન્યૂડ વીડિયો અપલોડ કરનાર એન્જિનિયર ઝડપાયો

 વડોદરા, બી.ટેક.એન્જિનિયરે ૨૧ વર્ષની  વિદ્યાર્થિનીનો ફોટો ફેસબૂક પરથી મેળવી તેને મોર્ફ કરી પોર્ન વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. સાયબર સેલની ટીમે આરોપીને ઝડપી પાડી તેનો મોબાઇલ ફોન કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તરસાલી રિંગ રોડ પર કૃપાળુ નગર સોસાયટીમાં રહેતા ૨૬ વર્ષના બી.ટેક. એન્જિનિયર કુનાલ ચતુરભાઇ પટેલના ફેસબૂક પર ફ્રેન્ડ સજેશનમાં મેડિકલની એક વિદ્યાર્થિનીનું એકાઉન્ટ આવ્યું હતું. એકાઉન્ટ લોક નહીં હોવાથી કુનાલે એકાઉન્ટ ઓપન કરતા વિદ્યાર્થિનીના ફોટા અપલોડ થયેલા  હતા. તેમાંથી ફોટા લઇ વિદ્યાર્થિનીના ચહેરાને મોર્ફ કરીને તેણે પોર્ન વીડિયો બનાવ્યો હતો. તે વીડિયો આરોપીએ સોશિયલ મીડિયા  પર અપલોડ કર્યો હતો.  આ વીડિયો વિદ્યાર્થિનીની બહેનપણીના ધ્યાને આવતા તેણે વિદ્યાર્થિીનીને જાણ  કરી હતી. આ અંગે સાયબર સેલ યુનિટ વડોદરા ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. સાયબર સેલના પી.આઇ. જે.ડી. પરમારે આ અંગે ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા આરોપી કુનાલ પટેલ ઝડપાઇ ગયો હતો. કુનાલ અને વિદ્યાર્થિની વચ્ચે કોઇ મિત્રતા કે ઓળખાણ નથી. તેમછતાંય તેણે આવું કૃત્ય કર્યુ હોઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે તેનો મોબાઇલ ફોન કબજે લઇ એફ.એસ.એલ.માં તપાસ માટે મોકલી આપ્યો છે. તેમજ સોશિયલ મીડિયા પર અપલોડ થયેલો વિદ્યાર્થિનીનો વીડિયો ડિલિટ કરાવ્યો હતો. આરોપીએ અન્ય યુવતીઓના આ રીતે વીડિયો બનાવી સોશિયલ મીડિયા  પર અપલોડ કર્યા છે  કે કેમ ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.