દિવાળીના તહેવારોમાં રાજયની વીજ માગ 10000 મેગાવોટ સુધી ઘટી

વડોદરાઃ દિવાળીના તહેવારોમાં ચારે તરફ ભલે રોશનીની ઝાકઝમાળ જોવા મળી હોય પણ આ સમયગાળમાં રાજ્યની વીજ માગમાં ૧૦૦૦૦ મેગાવોટ સુધીનો ઘટાડો નોંધાયો છે.જોકે સોમવારથી વીજ માગ અગાઉની સપાટીએ પહોંચે તેવી ધારણા છે.
દિવાળી પહેલા રાજ્યની વીજ માગ સરેરાશ ૨૨૦૦૦ થી ૨૩૦૦૦ મેગાવોટ સુધી રહેતી હતી. દિવાળીના તહેવારોના પગલે જીઆઈડીસીમાં ઉદ્યોગો બંધ હોવાથી ઔદ્યોગિક વીજ માગમાં ઘટાડો નોંધાયો છે.રાજ્યની ૧૮૪ જીઆઈડીસીઓમાં તા.૨૬ ઓકટોબર સુધી વેકેશન છે.સૂત્રોના કહેવા પ્રમાણે તા.૨૦ ઓકટોબર, સોમવારે દિવાળીના દિવસે વીજ માગ ઘટીને ૧૧૭૦૦ મેગાવોટ નોંધાઈ હતી.એ પછી ભાઈબીજના પર્વ સુધી સરેરાશ વીજ માગ ૧૨૦૦૦ મેગાવોટ જેટલી રહી હતી.આજે વીજ માગમાં વધારો થયો હતો અને વીજ માગ ૧૮૫૦૦ મેગાવોટ નોંધાઈ હતી.દિવાળીના તહેવારો દરમિયાન ગરમી હોવાથી ઘરેલુ વીજ માગમાં ઝાઝો ઘટાડો થયો નહોતો.નહીંતર વીજ માગ ૧૦૦૦૦ મેગાવોટની નીચે જઈ શકી હોત.જોકે સોમવારથી વેપાર, ધંધા અને ઉદ્યોગો રાબેતા મુજબ શરુ થઈ જવાના હોવાથી વીજ માગ પહેલાની જેમ ૨૨૦૦૦ મેગાવોટની આસપાસ પહોંચી શકે છે.
ખરીદીના કારણે ધમધમતા શહેરના બજારોમાં સન્નાટો, આજે લાભ પાંચમે દુકાનો ખુલશે
દિવાળી પર્વની ખરીદીના કારણે ધમધમતા બજારોમાં બેસતા વર્ષના દિવસથી સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે.ચાર દરવાજા વિસ્તારની તેમજ મંગળબજાર, નવા બજાર, રાવપુરા રોડ સહિતના માર્કેટની મોટાભાગની દુકાનો બંધ છે.દિવાળીના દિવસ સુધી અહીંયા રોજ હજારો લોકો ખરીદી કરવા માટે ઉમટતા હતા.જોકે હવે વેપારીઓનું વેકેશન ચાલી રહ્યું છે.આવતીકાલે, રવિવારે લાભ પાંચમના દિવસે વેપારીઓ મૂહુર્ત કરવા માટે દુકાનો ખોલશે.જોકે રાબેતા મુજબ વેપાર ધંધા તો સોમવારથી જ શરુ થશે.








