Get The App

બોરતળાવ વિસ્તારની અનેક સોસાયટીઓમાં વીજ ધાંધિયા

Updated: May 29th, 2026

GS TEAM

Google News
Google News
બોરતળાવ વિસ્તારની અનેક સોસાયટીઓમાં વીજ ધાંધિયા 1 - image

છાશવારે વીજળી વેરણ થતાં લોકો ત્રાહિમામ

અવાર-નવાર વીજળી ગૂલ થતાં તેમજ વોલ્ટેજ હાઈ-લૉ થતાં લોકોના ઈલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન

ભાવનગરશહેરના બોરતળાવ વિસ્તારની અનેક સોસાયટીઓમાં વીજ ધાંધિયાના લીધે રહિશોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તેમજ અવાર-નવાર વીજળી ગૂલ થવાથી અને વોલ્ટેજના પ્રશ્નોને કારણે લોકોના ઈલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન પહોંચી રહ્યું છે. તેમજ ચીત્રા સબ ડિવિઝનમાં નાયબ ઈજનેરનો ચાર્જ અન્ય સબ ડિવિઝનના અધિકારીને આપવામાં આવ્યો છે જેથી તાત્કાલિક નાયબ ઈજનેરની નિમણુંક સહિતના વિવિધ પ્રશ્ને બોરતળાવ વોર્ડના કોર્પોરેટર દ્વારા માંગ કરવામાં આવી છે.

શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલા દેસાઈનગર, શાંતિનગર, નિર્ભય સોસાયટી, મીલટ્રી સોસાયટીસ, ગણેશનગર-૨ તથા અન્ય બીજી સોસાયટીઓમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે અને વોલ્ટેજ હાઈ-લૉ થવાના લીધે લોકોના ઈલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન પહોંચી રહ્યું છે. વધુમાં હાલ ઉનાળાની આકરી ગરમીના દિવસોમાં વીજળી ગૂલ થવાથી વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને મુશ્કેલી પડી રહી છે. જ્યારે આ મામલે વીજ કચેરીને ફરિયાદ કરવામાં આવતા પ્રશ્નનું નિરાકરણ નહી લાવી સરકારી બહાના કાઢવામાં આવી રહ્યાં છે. હાલ ચિત્રા સબ ડિવિઝનમાં નાયબ ઈજનેરનો ચાર્જ મામસા સબ ડિવિઝનના નાયબ ઈજનેરને આપવામાં આવ્યો છે. આ વિસ્તાર ખુબ મોટો હોય ત્યારે તાત્કાલિક કાયમી નાયબ ઈજનેર મુકવામાં આવે તથા બે જૂનિયર ઈજનેરની પોસ્ટ પણ મુકવામાં આવે તેવી માંગ બોરતળાવ વોર્ડના કોર્પોરેટર જયદીપસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે. તેમજ આ વિસ્તારમાં બે થાંભલા વચ્ચેનો ગેપ વધારે હોય, જર્જરિત થઈ ગયા હોય ત્યાં નવા થાંભલા ફીટ કરવા, નડતરરૃપ વીજ પોલને અન્ય જગ્યાએ શિફ્ટ કરવા તેમજ ટ્રાન્સફોર્મના પ્રશ્નો પણ હલ કરવાની માંગ કરવામાં આવી છે અને જો સત્વરે આ મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાં કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.