Gujarat

વડોદરા જિલ્લા પંચાયતની 34માંથી 30 અને 8 તાલુકા પંચાયતની170માંથી 151 બેઠક પર આજે મતદાન

By GS TEAM
25 Apr 20261 min read
વડોદરા જિલ્લા પંચાયતની 34માંથી 30 અને 8 તાલુકા પંચાયતની170માંથી 151 બેઠક પર આજે મતદાન

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયત,આઠ તાલુકા પંચાયત અને ચાર નગર પાલિકાની ચૂંટણીઓ માટે આવતીકાલે મતદાન થશે.જેની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે.

વડોદરા જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠકો પર ચૂંટણી થનાર હતી.પરંતુ વાઘોડિયા તાલુકાની ગુતાલ,જરોદ,વડોદરાની રણોલી તેમજ કરજણની ચોરંદા મળી ચાર બેઠક બિનહરીફ થતાં કુલ ૩૦ બેઠકો પર આવતીકાલે મતદાન થશે.

જ્યારે આઠ તાલુકા પંચાયતની કુલ ૧૭૦ બેઠકોમાંથી ૧૯ બેઠક બિનહરીફ થતાં કુલ ૧૫૧ બેઠકો પર આવતીકાલે ચૂંટણી યોજાશે.જેમાં કરજણ તાલુકામાં સૌથી વધુ ૬ બેઠક બિનહરીફ થઇ છે.જ્યારે,વડોદરામાં ૪, ડેસર તાલુકામાં ૪, ડભોઇ- વાઘોડિયામાં બે-બે બેઠકો અને પાદરા તાલુકામાં એક બેઠક બિનહરીફ થઇ છે.

જિલ્લા અને તાલુકા પંચાયતોમાં કુલ ૧૧૬૨ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.જેમાં ૪૫૨૮૬૪ પુરુષ મતદારો,૪૩૫૧૧૧ સ્ત્રી મતદારો અને અન્ય ૯ મતદાર મળી કુલ ૮૮૭૯૮૪ મતદારો મતદાન કરશે.આવી જ રીતે જિલ્લાની ચાર નગર પાલિકા વાઘોડિયા, સાવલી,ડભોઇ અને પાદરામાં પણ ચૂંટણી યોજાનાર છે.જેમાં કુલ ૯૯૭૩૩ મતદારો નોંધાયા છે અને ૧૧૩ બૂથઉભા કરાયા છે. આ પૈકી વાઘોડિયા નગર પાલિકામાં પહેલીવાર ચૂંટણી થઇ રહી છે.