Gujarat

જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા

By GS TEAM
14 Jun 20261 min read
TukuTouch Logo
જામનગર શહેરના એસટી બસ સ્ટેશન ખાતે બેદરકારીપૂર્વક બસ હંકારતા ચાલકે એક વૃદ્ધ મહિલાને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચ્યાની ઘટના સામે આવી છે. આ અંગે મહિલાએ એસટી બસના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા

જામનગર શહેરના એસટી બસ સ્ટેશન ખાતે બેદરકારીપૂર્વક બસ હંકારતા ચાલકે એક વૃદ્ધ મહિલાને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચ્યાની ઘટના સામે આવી છે. આ અંગે મહિલાએ એસટી બસના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, રાજકોટના ચામુંડાકૂવા વિસ્તાર ખાતે રહેતા 68 વર્ષીય મંજુલાબેન રમેશભાઈ લાઠીયા તેમના પતિ સાથે તારીખ 13 જાન્યુઆરી, 2026ના રોજ ઝાંખર ગામે પ્રસંગમાં હાજરી આપી પરત રાજકોટ જવા માટે જામનગર એસટી બસ સ્ટેશન ખાતે પ્લેટફોર્મ પાસે ઉભા હતા. તે દરમિયાન ખંભાળિયા-અમદાવાદ વાયા રાજકોટ રૂટની એસટી બસ  પ્લેટફોર્મ પર આવી હતી.

આક્ષેપ મુજબ બસના ચાલકે બસને પુરઝડપે અને બેફીકરાઈથી હંકારતા મંજુલાબેન સાથે અથડાવી દીધા હતા. ટક્કરના કારણે તેઓ નીચે પટકાતા બંને પગમાં ઈજા પહોંચી હતી. ડાબા પગના પોંચા ઉપરના ભાગે ગંભીર ઈજા થતાં લોહી નીકળવા લાગ્યું હતું.

બનાવ બાદ સ્થાનિક લોકોની મદદથી 108 એમ્બ્યુલન્સ મારફતે મંજુલાબેનને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ ડાબા પગમાં આશરે 25 ટાંકા લેવા પડ્યા હોવાનું તેમજ જમણા પગના ઘૂંટણની નીચેના ભાગે મૂંઢ ઈજા થઈ હોવાનું નિદાન કર્યું હતું.

પ્રાથમિક તબક્કે એસટી બસના ચાલક સાથે સમાધાનની ચર્ચા ચાલતી હોવાથી ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી. જોકે સમાધાન ન થતાં મંજુલાબેને હવે પોલીસનો આશરો લઈ બસ ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ફરિયાદના આધારે એસટી બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.