Get The App

રાજુલાના ખેરામાં ઝાડ સાથે બાંધી પ્રૌઢને ઢોરમાર, બચાવવા ગયેલી પોલીસ પર હુમલો

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
રાજુલાના ખેરામાં ઝાડ સાથે બાંધી પ્રૌઢને ઢોરમાર, બચાવવા ગયેલી પોલીસ પર હુમલો 1 - image

- યુવતી સાથે પુત્રનાં પ્રેમસંબંધની આશંકાએ યુવકના પિતાનું અપહરણ

- આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ કાફલા સાથે સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું 

અમરેલી:રાજુલા  તાલુકાના ખેરા ગામે યુવાનના પ્રેમસંબંધની આશંકાએ  એક યુવકના પિતાનું કેટલાક લોકો એ અપહરણ કરી બંધક બનાવી જાંબુડાના ઝાડ સાથે બાંધીને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવતો હોવાની  પોલીસને જાણ થતા પીડિતને છોડાવવા ગયેલી પીપાવાવ મરીન પોલીસની ટીમ પર ટોળાએ હુમલો કરી પથ્થરમારો કરતા પીએસઆઈ સહિત  ત્રણ પોલીસકર્મીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. 

ભારે પથ્થરમારો કરતા પીએસઆઈ સહિત ત્રણ પોલીસ કર્મીઓ ઘાયલ,૪૦થી વધુના ટોળા સામે ફરજમાં રૂકાવટ, હુમલો અને અપહરણની કલમો હેઠળ ગુનો  

પ્રાપ્ત વિગતો અનુસાર, ખેરા ગામના દેવશીભાઈ ગુજરીયાના પુત્રને ગામની જ એક યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની યુવતીના પરિવારને આશંકા હતી કે દેવશીભાઈનો પુત્ર યુવતીને ભગાડી ગયો છે. આ અદાવતમાં કેટલાક શખ્સો એ દેવશીભાઈનું હિંડોરણા ખાતેથી અપહરણ કરી ત્યારબાદ તેમને ખેરા ગામની સીમમાં લઈ જઈ એક જાંબુડાના ઝાડ સાથે બાંધીને ી-પુરુષોના ટોળાએ ઢોરમાર મારવાનું શરૂ કર્યું હતું.

ઘટનાની જાણ થતા જ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના  પીએસઆઈ કે.ડી. હડિયા, પોલીસ કર્મચારી ચંપુભાઈ પોપટ, અક્ષયભાઈ મોરી અને મગનભાઈ ધાપા સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ કાફલાએ દેવશીભાઈને ટોળાની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા પરંતુ, ટોળાએ પોલીસ ટીમ પર પથ્થરમારો અને લાકડા વડે હુમલોકર્યો  હતો. આ હુમલામા  કે.ડી. હડિયા, ચંપુભાઈ પોપટ અને અક્ષયભાઈ મોરીને ઈજાઓ થતા તેમને સારવાર અર્થે રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને  આ મામલે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ૪૦થી વધુના ટોળા સામે ફરજમાં રૂકાવટ, હુમલો અને અપહરણની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મોડી રાત્રે ડીવાયએસપી અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી સહિતની ટીમો હોસ્પિટલ પહોંચી હતી. હાલ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા મોટા કાફલા સાથે સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.