Gujarat

વડોદરા જિલ્લા પંચાયતની 8 સમિતિઓની રચના માટે પ્રમુખ મીટિંગ બોલાવશે,તાલુકા પંચાયતાેમાં પણ કવાયત

By GS TEAM
26 May 20262 mins read
વડોદરા જિલ્લા પંચાયતની 8 સમિતિઓની રચના માટે પ્રમુખ મીટિંગ બોલાવશે,તાલુકા પંચાયતાેમાં પણ કવાયત

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતના વહીવટ માટે આગામી દિવસોમાં જુદીજુદી આઠ સમિતિઓની રચના કરવામાં આવશે.આવી જ રીતે તાલુકા પંચાયતો અને ચાર નગર પાલિકાઓમાં પણ સમિતિઓની રચનાની કવાયત હાથ ધરાઇ છે.

વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઇ ગયા બાદ હવે પંચાયતોના વહીવટ માટે સમિતિઓ તેમજ તેના ચેરમેનોની નિયુક્તિ માટે પ્રોસિજર કરવામાં આવનાર છે.જેમાં આગામી ત્રણ સપ્તાહમાં જિલ્લા પંચાયતના નવા મહિલા પ્રમુખ દ્વારા જનરલ બોર્ડની મીટિંગ  બોલાવવામાં આવશે અને તેમાં જુદીજુદી આઠ સમિતિઓની રચના કરવામાં આવશે.

જિલ્લા પંચાયતની સમિતિઓની રચના થઇ ગયા બાદ ૧૫ દિવસમાં તમામ સમિતિઓ પોતાની અલાયદી મીટિંગ બોલાવી ચેરમેન નક્કી કરશે.આવી જ રીતે આઠ તાલુકા પંચાયત અને ચાર નગર પાલિકાઓમાં પણ પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની નિયુક્તિ થઇ ગયા બાદ હવે ત્યાં પણ વહીવટ માટે જુદીજુદી સમિતિઓની રચના કરવામાં આવનાર છે.

સમિતિઓની રચના માટે જિલ્લા ભાજપના પ્રભારી પ્રદેશ સાથે સંકલન કરીને દરેક સમિતિના સભ્યોના નામોની યાદી સાથે ચૂંટાયેલા સભ્યોને મેન્ડેટ આપશે.આ પૈકી અપીલ સમિતિના  અધ્યક્ષ હોદ્દાની રૃ એ પ્રમુખ  પોતે રહેશે.જ્યારે  બાકીના સભ્યોના નામ પક્ષ નક્કી કરશે.

જિ.પં.ના પ્રમુખ માટે બનાવેલા બંગલામાં કોઇ પ્રમુખ આખી ટર્મ રહ્યા નથી

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ માટે માંજલપુરમાં બંગલો બનાવવામાં આવ્યો છે. પરંતુ આ  બંગલામાં પરિવાર સાથે એક પણ પ્રમુખે આખી ટર્મ પસાર કરી નથી. મોટાભાગના પ્રમુખો એક-બે દિવસ કે કલાકો માટે આરામ કરીને રવાના થઇ જતા હોય છે.પ્રમુખો તેમની ટર્મમાં બંગલામાં કાયમી નિવાસ નહિ કરતા હોવાનું કારણ ગ્રામ્ય પ્રજા સાથેનો સંપર્ક છે.તેઓ ત્યાં વધુ સમય કાઢીને તેમના મત વિસ્તારમાં રહેવાનું પસંદ કરતા હોવાથી બંગલાનો ઉપયોગ ખૂબ ઓછો થતો હોય છે.હાલના પ્રમુખ જ્યોત્સનાબેન રબારીએ પણ બંગલામાં રહેવાનું કાંઇ નક્કી કર્યું નથી તેમ કહ્યું હતું.

જિલ્લા પંચાયતમાં કઇ કઇ સમિતિની રચના થશે

- કારોબારી સમિતિ

- આરોગ્ય સમિતિ

- બાંધકામ સમિતિ

- શિક્ષણ સમિતિ

- અપીલ સમિતિ

- સિંચાઇ સમિતિ

- મહિલા અને બાળવિકાસ સમિતિ

- સામાજિક ન્યાય સમિતિ

જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષે ઓફિસ પણ ગુમાવી,રેકોર્ડ રૃમ બની ગયો

વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને ભારે પછડાટ મળ્યા બાદ હવે પંચાયત ભવનમાં ઓફિસ પણ ગુમાવવી પડી છે. વર્ષ-૨૦૨૧ના  ટર્મમાં ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારો  સમક્ષ રજૂઆત કરી અને લડત આપીને બીજા માળે પ્રમુખ-ઉપપ્રમુખની ઓફિસો પાસે એક ઓફિસ લેવામાં આવી હતી.કોંગ્રેસે પંચાયત ભવનમાં સાંસદને ફાળવેલી ઓફિસનો પણ વિરોધ કરી પોતાનો હક માગ્યો હતો.પરંતુ તાજેતરમાં વર્ષ-૨૦૨૬ની ચૂંટણીમાં કોંગ્રેસના ૩૪માંથી માત્ર બે જ સભ્યો ચૂંટાતા જિલ્લા પંચાયતમાં તેમની ઓફિસ પણ પાછી લઇ લેવામાં આવી છે.હાલમાં આ ઓફિસને રેકોર્ડરૃમ બનાવી દેવામાં આવ્યો છે.