Egg Freezing Trend Rises: આજની મહત્વાકાંક્ષી પેઢી માટે જીવનની વ્યાખ્યા બદલાઈ રહી છે. એક તરફ કરિયરની ટોચ પર પહોંચવાની દોડ છે. તો બીજી બાજુ માતૃત્વનું સપનું પણ છે. આ બંને વચ્ચેના સંતુલનને જાળવવા માટે દેશભરના મેટ્રોસિટીની સાથે જ હવે અમદાવાદની યુવતીઓએ પણ એગ ફ્રીઝિંગનો એક નવો અને વ્યવહારુ અભિગમ અપનાવ્યો છે. જેથી તેઓ ભવિષ્યમાં માતૃત્વનો અહેસાસ કરી શકે છે. હાલમાં અમદાવાદમાં દરવર્ષે 650થી 700 જેટલી મહિલાઓ પોતાના એગ ફ્રીઝ કરાવી ભવિષ્યને સુરક્ષિત કરે છે.
અમદાવાદમાં દર વર્ષે 650થી 700 કેસ
અડધા દાયકા અગાઉ એગ ફ્રીઝિંગની પ્રક્રિયા વિશે યુવતીઓ જાગૃત ન હતી. પરંતુ આજની પેઢી સોશિયલ મીડિયા સહિતના માધ્યમથી એગ ફ્રીઝિંગની પ્રક્રિયાથી માહિતગાર થઈ છે. જેના પગલે આજે ત્રણેક વર્ષથી અમદાવાદમાં વર્ષે આશરે 650થી 700 મહિલાઓ પોતાના એગ ફ્રીઝ કરાવે છે. માત્ર પરિણિત જ નહીં અપરિણિત યુવતીઓમાં પણ આનું ચલણ વધ્યું છે.
વિવિધ સેક્ટર્સની મહિલાઓમાં વધતી જાગૃતિ
અમદાવાદમાં સૌથી વધુ 25થી 35 વર્ષના મહિલાઓ પોતાના એગ ફ્રીઝ કરાવે છે. એક અહેવાલ અનુસાર મુંબઈ, દિલ્હી તેમજ બેંગ્લોર જેવા શહેરોની હોસ્પિટલમાં એગ ફ્રીઝિંગ માટે મહિને 500થી 700 ઈન્ક્વાયરી આવે છે. જેમાં આઈટી, મેડિકલ, એવિએશન તેમજ લો સેક્ટર સાથે જોડાયેલા મહિલાઓની સંખ્યા વધુ હોય છે.
બદલાતી જીવનશૈલી અને ફેમિલી પ્લાનિંગ
બદલાતી જીવનશૈલીના પગલે પારિવારિક આયોજનમાં પણ નવો વળાંક આવ્યો છે. જે દંપતીમાં પતિ વિદેશમાં સ્થાયી હોય અને પત્ની વિઝાની પ્રક્રિયામાં અટવાયેલી હોય તેવા સમયે મહિલાઓ એગ ફ્રીઝ કરાવી ભવિષ્યને સુરક્ષિત કરાવે છે. બીજી બાજુ ડો. મેહુલ સુખડિયા જણાવે છે કે, આજે દંપતીઓ બાળકને દરેક રીતે સુરક્ષિત ભવિષ્ય આપી શકે તે માટે પહેલાંથી આયોજન કરે છે. કેટલાક એવા દંપતી પણ છે જે પરસ્પરના સંબંધોની અનિશ્ચિતતા અને ભવિષ્યના બદલાતા સમીકરણોને ધ્યાને રાખીને લગ્નની તુરંત બાદ સંતાન પ્રાપ્તિ ટાળે છે. પરંતુ ભવિષ્યમાં જ્યારે યોગ્ય જણાય તે સમયે માતા- પિતા બની શકે તે માટે એગ ફ્રીઝ કરાવે છે. યુવતીઓ સ્પષ્ટપણે માને છે કે એગ ફ્રીઝિંગ એ માતૃત્વમાં વિલંબ નહીં, પરંતુ ભવિષ્ય માટે દરવાજા ખુલ્લા રાખવાની રીત છે.
વિવિધ પ્રકારની બાયો-મેડિકલ બેન્ક
બ્લડ બેન્ક
બ્રેસ્ટ મિલ્ક બેન્ક
એમ્બ્રયો બેન્ક
એગ ફ્રીઝિંગ બેન્ક
કોર્ડ બ્લડ બેન્ક
સ્કિન બેન્ક
એગ ફ્રીઝ કરાવવાના કારણો
- કેન્સર તથા લાઈફ થ્રેટનિંગ બીમારીની સારવારથી પ્રજનન પર પડતી અસરના કારણે
- યુવતીઓમાં પીસીઓડી અને પીએમઓએસ (અગાઉ પીસીઓએસ)નું વધતું પ્રમાણ
- લગ્ન અને માતૃત્વમાં વિલંબ
- કારકિર્દી પર ધ્યાન આપવાની પ્રાથમિકતા
- વધતી જતી વંધ્યત્વની સમસ્યા
- પ્રજનન સ્વાસ્થ્ય વિશે વધેલી જાગૃતિ
આ રીતે એગ ફ્રીઝ થાય છે
સામાન્ય રીતે યુવતીઓને થાય છે કે આ એક લાંબી અને પીડાહાયક પ્રક્રિયા છે. પરંતુ એમ્બ્રિયોલોજિસ્ટ ડો. ધરતી પટેલના જણાવ્યા અનુસાર, આ ખૂબ સરળ પ્રક્રિયા છે. જ્યારે મહિલાઓ આના માટે અપ્રોચ કરે છે. ત્યારે સૌ પ્રથમ તેમના કેટલાક બ્લડ ટેસ્ટ અને અલ્ટ્રા સાઉન્ડ કરાય છે. તે રિપોર્ટ આવ્યા બાદ માસિકના પાંચમાં દિવસ પછી 10થી 14 દિવસ માટે ઈન્જેક્શન આપવામાં આવે છે. જ્યારે એગની સાઈઝ પરફેક્ટ બને ત્યારે 10 મિનિટની નાની સર્જરી કરી એગને બહાર કાઢવામાં આવે છે. બાદમાં મહિલાઓને જેટલો સમય સુધી તેને ફ્રીઝ કરાવવા હોય તેઓ કરાવી શકે છે.


