દમણના કુખ્યાત સુરેશ પટેલ ઉર્ફે સુખા સામે ED નો સકંજો, 6.52 કરોડની મિલકતો ટાંચમાં લીધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat suresh jaggu Patel Case and ED Action: સુરતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ મોટી કાર્યવાહી કરી છે. ED દ્વારા સુરેશ જગુ પટેલ અને તેની સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર, ખંડણી અને છેતરપિંડી સહિતના અનેક કેસમાં કડક એક્શન લેતા દમણ અને વલસાડ ખાતે આવેલી આશરે 6.52 કરોડ રૂપિયાની કિંમતની 17 જેટલી સ્થાવર મિલકતો અસ્થાયી રૂપે ટાંચમાં લઈ લીધી છે.
ગુનાઈત ઇતિહાસ અને ધાકધમકીથી ઊભી કરી હતી મોનોપોલી
ED દ્વારા આ તપાસ દમણ પોલીસ, ગુજરાત પોલીસ અને મુંબઈ પોલીસ દ્વારા સુરેશ પટેલ ઉર્ફે સુખા તથા તેના સાથીદારો વિરુદ્ધ નોંધવામાં આવેલી FIRના આધારે શરૂ કરવામાં આવી હતી. આરોપીઓ સામે ભ્રષ્ટાચાર, ગેરકાયદે હથિયારો રાખવા, હત્યા, ખંડણી, છેતરપિંડી, પાસપોર્ટ ફોર્જરી અને કોપીરાઈટ ભંગ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. EDની તપાસમાં સામે આવ્યું છે કે, સુરેશ જગુ પટેલે તેના ફોજદારી રેકોર્ડ અને અપરાધિક ધાક-ધમકીના આધારે હરીફ વેપારીઓને ખતમ કરીને દમણમાં સ્ક્રેપ ટ્રેડિંગ અને ટ્રાન્સપોર્ટ સેવાઓના ધંધા પર પોતાની એકાધિકાર (મોનોપોલી) જમાવ્યો હતો.
પહેલા પણ દાખલ થઈ ચૂકી છે પ્રોસીક્યુશન ફરિયાદ
આ મામલે અગાઉ 27મી નવેમ્બર 2024ના રોજ દમણની વિશેષ કોર્ટ (PMLA) સમક્ષ સુરેશ જગુ પટેલ, તેના સહયોગી મહેશ નંદા અને અન્ય સામે પ્રોસીક્યુશન ફરિયાદ દાખલ કરવામાં આવી ચૂકી છે.
અત્યાર સુધીમાં કુલ 13.85 કરોડની સંપત્તિ જપ્ત અને અટેચ
આ કેસમાં અગાઉ પણ તપાસ દરમિયાન સર્ચ ઓપરેશન વખતે 2.90 કરોડ રૂપિયાની રોકડ અને બેન્ક બેલેન્સ જપ્ત/ફ્રીઝ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અગાઉ દમણ અને મુંબઈમાં આવેલી 4.42 કરોડ રૂપિયાની 24 સ્થાવર મિલકતો પણ અસ્થાયી રૂપે અટેચ કરવામાં આવી હતી, જેને PMLA ઓથોરિટી, નવી દિલ્હી દ્વારા યોગ્ય ઠેરવવામાં આવી છે. આમ, આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 13.85 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિઓ જપ્ત, અટેચ અથવા ફ્રીઝ કરવામાં આવી ચૂકી છે. આ મામલે આગળની તપાસ હજુ ચાલુ છે.




