Get The App

ભાયલી ગેંગ રેપ કેસમાં ડીવાયએસપી ચાવડાની પાંચ કલાક સુધી સરતપાસ ચાલી

કેસમાં 45 સાક્ષીઓની જુબાની પુરી : વધુ સુનાવણી તા.૨૫મીએ થશે

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
ભાયલી ગેંગ રેપ કેસમાં ડીવાયએસપી ચાવડાની પાંચ કલાક સુધી સરતપાસ ચાલી 1 - image

નવરાત્રીના તહેવારમાં ભાયલી બીલ રોડ પર મિત્ર સાથે બેઠેલી સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા પાંચ આરોપીની પોલીસે ધરપકડ કર્યા બાદ હાલ આ કેસની ટ્રાયલ પોક્સોની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી રહી છે ત્યારે આજે આ કેસમાં તપાસ અધિકારી ડીવાયએસપી ચાવડાની જુબાની લેવામાં આવી હતી. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આજે સમગ્ર દિવસ દરમિયાન કોર્ટમાં તપાસ અધિકારીની સતત પાંચ કલાક સુધી સર તપાસ થઇ હતી. કેસની વધુ સુનાવણી હવે તા.૨૫ના રોજ હાથ ધરાશે અને તેમાં તપાસ અધિકારીની ઉલટ તપાસ થશે.

ગત વર્ષે નવરાત્રિના તહેવારમાં તા.૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ રાત્રે ૧૧.૩૦ કલાકે  પાંચ શખ્સ બે બાઇક પર આવ્યા હતા અને તેમણે સગીર કિશોરીના મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ કેસમાં પોલીસે બનાવમાં સંડોવાયેલા મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ,શાહરુખ કિસ્મતઅલી, સૈફઅલી બનજારા અને અજમલ બનજારાની ધરપકડ કરી હતી. આ કેસની ટ્રાયલ પોક્સોની સ્પેશ્યલ કોર્ટમાં હાલ ચાલી રહી છે ત્યારે આજે આ ચકચારી બનાવની તપાસ કરનારા ડીવાયએસપી ચાવડાની જુબાની શરૃ થઇ હતી.

મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ તેમજ સ્પે. સરકારી વકીલ શૈલેષ પટેલ દ્વારા તપાસ અધિકારીની સતત પાંચ કલાક સુધી સર તપાસ કરવામાં આવી હતી. આ ચકચારી બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કર્યો ત્યારથી લઇને શુ શુ તપાસ કરવામાં આવી. આરોપીની ક્યારે અને કેવી રીતે ધરપકડ કરવામાં આવી, આ કેસમાં કેટલા સાક્ષીના નિવેદન લેવામાં આવ્યાં હતા અને કેટલા પંચનામા થયા હતા, કેસમાં શુ મડિકલ અને એફએસએલની તપાસ થઇ, સીસટીવી ફુટેજ ક્યાંથી અને કેવી રીતે મેળવવામાં આવ્યા તે સહિતની તમામ બાબતોથી લઇને કેસમાં  ચાર્જશીટ દાખલ કરવા સુધીની તમામ કાર્યવાહી અંગે તપાસ અધિકારીને પ્રશ્નો પુછવામાં આવ્યાં હતા.

કેસની વધુ સુનાવણી હવે તા.૨૫ના રોજ હાથ ધરાશે અને તેમાં તપાસ અધિકારીની ઉલટ તપાસ કરવામાં આવશે. સુત્રોએ જણાવ્યું હતું કે, આ કેસમાં અત્યાર સુધીમાં તમામ મહત્વના સાક્ષીઓની જુબાની પુરી થઇ ગઇ છે ત્યારે હવે તપાસ અધિકારીની ઉલટ તપાસ બાદ કોઇ વધુ સાક્ષીને તપાસવાની જરુર જણાશે તો તેની પણ જુબાની લેવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.