Get The App

ગુજરાતમાં મિની વાવાઝોડા જેવો માહોલ! અમદાવાદ સહિત અનેક શહેરોમાં ધૂળની ડમરીઓ ઉડી

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં મિની વાવાઝોડા જેવો માહોલ! અમદાવાદ સહિત અનેક શહેરોમાં ધૂળની ડમરીઓ ઉડી 1 - image

Gujarat weather: રાજ્યમાં 19મી માર્ચના રોજ વહેલી સવારથી જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં 30થી 40 કિમીની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવને મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી બે દિવસ કમોસમી વરસાદ અને ગાજવીજની સંભાવના છે.

અમદાવાદમાં પવનનું જોર 

મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં વહેલી સવારથી ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે શહેરના કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાના બનાવો બન્યા છે. ઉજાલા અને વણઝર જેવા વિસ્તારોમાં ભારે પવનને કારણે લાઈટો ગુલ થઈ ગઈ હતી. ઝાડ પડવાના કોલ મળતા જ ફાયરની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રસ્તાઓ સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી.

ગુજરાતમાં મિની વાવાઝોડા જેવો માહોલ! અમદાવાદ સહિત અનેક શહેરોમાં ધૂળની ડમરીઓ ઉડી 2 - image

આ પણ વાંચો: સુરતના કાપોદ્રામાં હૃદયદ્રાવક ઘટના, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત

બનાસકાંઠાના કાંકરેજ અને ઓગડ પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. સુઈગામના ભરડવા ગામની સીમમાં તોફાની પવનને કારણે સોલર પ્લેટો ઉખડીને ફંગોળાઈ ગઈ હતી. હિંમતનગરમાં ધૂળની ડમરીઓ સાથે વીજળી ગુલ થઈ હતી, જ્યારે વિસનગરમાં અનેક દુકાનોના શેડ અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે. સુરેન્દ્રનગરના લખતર પંથકમાં વહેલી સવારે 4 વાગ્યે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી.

સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે પવન ફૂંકાતા હવામાનમાં ઠંડક સાથે અસ્થિરતા જોવા મળી હતી. હાલના સમયમાં ઉભેલા પાક માટે આવી પરિસ્થિતિ જોખમી બની શકે તેવી ખેડૂતોને ચિંતા વધી છે.

આ વાતાવરણમાં આવેલા પલટાને કારણે રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે. ઉનાળાની શરૂઆતમાં જ ઠંડો પવન અને વાદળછાયું વાતાવરણ થતા લોકોને ગરમીથી કામચલાઉ રાહત મળી છે, પરંતુ ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ અનુસાર, 20મી માર્ચ સુધી રાજ્યમાં કમોસમી વરસાદનું જોર રહી શકે છે. જ્યારે આજે (19મી માર્ચ) બનાસકાંઠા, પાટણ, સુરત, ભરૂચ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ અને દીવ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. આવતીકાલે (20મી માર્ચ) સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છમાં માવઠાની આગાહી.

આગામી 3 કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં અચાનક હવામાન ફેરફાર થવાની શક્યતા

હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં અચાનક હવામાન ફેરફાર  થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ વિસ્તારમાં વરસાદી ઝાપટાં સાથે પવન અને ગાજવીજ જોવા મળી શકે છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદ  પડી શકે છે. આ વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે, જેના કારણે સ્થાનિક લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. અહીં પવનની ઝડપ વધીને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જે ખેડૂતો અને ખુલ્લા વિસ્તારમાં રહેનારા લોકો માટે ચેતવણીરૂપ છે.

મધ્ય ગુજરાતના મહત્ત્વના શહેરો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાન પલટો થવાની પૂરેપૂરી સંભાવના છે. દિવસ દરમિયાન ગરમી અનુભવાતા હોવા છતાં સાંજ અથવા આગામી કલાકોમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદ પડી શકે છે.

સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે. આ વિસ્તારોમાં વીજળી પડવાની શક્યતા પણ હોવાથી ખુલ્લા મેદાનોમાં ન રહેવાની સલાહ આપવામાં આવી છે. પંચમહાલ, દાહોદ અને ખેડા જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે. અહીં હળવા વરસાદ સાથે પવન અને વીજળીનો પ્રભાવ જોવા મળી શકે છે, જે હવામાનને વધુ અસ્થિર બનાવશે.