Gujarat

સુરત શિક્ષણ સમિતિના પ્રવાસમાં ગંભીર બેદરકારી વિદ્યાર્થીઓને ભોજન સમયે નાસ્તો અપાયો

By GS TEAM
24 Feb 20262 mins read
TukuTouch Logo
સુરતના કેટરર્સનો ટેમ્પોમાં પંક્ચર પડ્યું અને પોલીસે પકડ્યો હોવાથી નાસ્તો ભોજનમાં વિલંબ થયાનો ખુલાસો : ભૂખ્યા વિદ્યાર્થીઓએ સ્વ ખર્ચે અથવા પોતે લાવેલો નાસ્તો કર્યો હોવાની ફરિયાદ

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત શિક્ષણ સમિતિના પ્રવાસમાં ગંભીર બેદરકારી વિદ્યાર્થીઓને ભોજન સમયે નાસ્તો અપાયો

Surat : સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં શૈક્ષણિક પ્રવાસ કેટરર્સ કારણે વિવાદમાં આવ્યો છે. સમગ્ર શિક્ષા અભિયાન અને શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે એક દિવસનો પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, નબળા આયોજનના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આજે પ્રવાસ દરમિયાન કેટરર્સની ગંભીર બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને જમવાના સમયે નાસ્તો અપાયો અને ભોજન ત્રણ વાગ્યા પછી આપતા વિદ્યાર્થીઓ બેહાલ થઈ ગયા હતા. આ ઉપરાંત પ્રવાસ નિયત સમય કરતા બે કલાક મોડો શરૂ થયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. 

સતત વિવાદમાં રહેતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજનો શૈક્ષણિક પ્રવાસ વિવાદમાં આવ્યો છે. સુરત શિક્ષણ સમિતિના ધોરણ 6 થી 8 ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે એક દિવસના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસનો સમય સવારે 5.30 વાગ્યાનો હતો. પરંતુ તેમાં વિલંબ થયાનો આક્ષેપ થયો છે. જોકે, પ્રવાસમાં સાથે ગયેલા સી.આર.સી. તો પ્રવાસ મોડો ન થયો હોવાની વાત કરે છે. પરંતુ સુરતના સાંઈ બાબા મંદિર ખાતેનો વિદ્યાર્થીઓ અને બસનો એક ફોટો વાયરલ થયો છે તેમાં સમય સવારે 9.11 વાગ્યાનો છે તે પ્રવાસ મોડો શરૂ થયો હોવાની ચાડી ખાઈ રહી છે. પ્રવાસ મોડો શરુ થયો હોવાથી વિદ્યાર્થીઓ કંટાળી ગયા હતા તો બીજી તરફ કેટરર્સની બેદકારીના કારણે પ્રવાસનું આયોજન ફિક્કુ રહ્યું અને વિવાદમાં આવ્યું છે. સવારે 9 થી 10ની વચ્ચે નાસ્તો આપવાનો હતો પરંતુ નાસ્તા માટે ઓર્ડર આપ્યો હતો તે કેટરર્સ આવ્યા જ ન હતા. જેના કારણે નાસ્તો કર્યા વિના જ વિદ્યાર્થીઓને પ્રવાસ શરૂ કરી દેવાયો હતો. વિદ્યાર્થીઓ ધરમપુર પહોંચ્યા હતા ત્યારે સાયન્સ સેન્ટર નિહાળ્યા બાદ બપોરે 12.30 વાગ્યે નાસ્તો આવ્યો હતો અને તે આપવામાં આવ્યો હતો.

જોકે, વહેલી સવારથી પ્રવાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓની હાલત કફોડી થઈ ગઈ હતી. જેથી તેઓ સ્વ ખર્ચે કે પોતે નાસ્તો લાવ્યા હતા તે ખાઈ ભુખ મીટાવી હતી. બપોરે 3 વાગ્યા બાદ વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવ્યું હતું. આ અંગે પ્રવાસમાં હાજર સી.આર.સી.એ કારણ આપ્યું હતું કે, સુરતના કેટરર્સને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ પલસાણા નજીક તેના ટેમ્પોમાં માણસો બેસાડ્યા હતા તેથી પોલીસે પકડ્યા હતા અને ત્યાર બાદ તેના ટેમ્પોમાં પંકચર પડ્યું હતું તેથી ટેમ્પો મોડો આવ્યો હતો. જેના કારણે નાસ્તા-ભોજનમાં વિલંબ થયો છે. કેટરર્સની બેદાકરીના કારણે શિક્ષણ સમિતિના પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓની હાલત કફોડી થઈ હતી. તેથી કેટરર્સ સામે પગલાં ભરવા વાલીઓ માગણી કરી રહ્યાં છે.