Get The App

જબરુ કૌભાંડ : ગુજરાતના લોકો રાજસ્થાનમાં ટેસ્ટ આપ્યા વગર ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી રહ્યા છે

Updated: Jun 13th, 2026

GS TEAM

Google News
Google News
Driving License Scam

Driving License Scam: ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવામાં ઓનલાઇન સિસ્ટમ સક્રિય હોવાથી વાહનચાલકોને લાયસન્સ માટે ભારે પરેશાની નડે છે. જેના પગલે છેલ્લાં ઘણા સમયથી ગુજરાતના કેટલાક એજન્ટ દ્વારા રાજસ્થાન તેમજ ઉત્તર પૂર્વીય રાજ્યોના આરટીઓ સાથે સાંઠગાંઠ કરીને ગુજરાતના વ્યક્તિને ત્યાં મોકલ્યા વિના જ જે-તે રાજ્યના બનાવટી સરનામા પર ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે. ત્યારબાદ તે ગુજરાતના આરટીઓમાં સરનામું બદલવા માટે અરજી કરવામાં આવે છે. આ કૌભાંડ વાહન વ્યવહાર કમિશનરના ધ્યાનમાં આવતા તેમણે અન્ય રાજ્યોમાંથી ગુજરાતનું સરનામું બદલવાની થતી અરજીઓ અંગે તપાસના આદેશ આપ્યા છે.

અન્ય રાજ્યોના લાયસન્સ: ગુજરાતમાં સરનામું બદલવાની અરજીઓ વધી

રાજસ્થાન અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાંથી ઇસ્યુ થયેલા ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા કેટલાક લોકો દ્વારા ગુજરાતમાં અમદાવાદ સહિતના વિવિધ શહેરોમાં સરનામું બદલવાની મોટા પ્રમાણમાં અરજી કરવાના કિસ્સાઓમાં વધારો થયો હતો. ત્યારે આ અંગે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા નિયમોનો ભંગ કરીને ગેરકાયદે લાયસન્સ ઇસ્યુ કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું.

સેન્સર બેઝ આરટીઓ ટ્રેક: ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવામાં મુશ્કેલી

જેમાં અમદાવાદ કે અન્ય જિલ્લાઓમાં રહેતી વ્યક્તિને ગુજરાતના આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે ટેસ્ટ આપવી ફરજિયાત છે. પરંતુ, આરટીઓ ટ્રેક સેન્સર બેઝ હોવાથી મોટાભાગના લોકોને સફળ થતા ન હોવાથી ગુજરાતના કેટલાક આરટીઓ એજન્ટ રાજસ્થાન, સિક્કિમ, મણિપુર, આસામ સહિતના રાજ્યોના આરટીઓના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને મોટું કૌભાંડ શરૂ કર્યું છે.

એક લાયસન્સના 20 હજાર: કૌભાંડીઓએ વસૂલ્યો મોટો ચાર્જ

સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાનના જોધપુર આરટીઓમાં સૌથી વધારે પ્રમાણમાં બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે અને એક બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ માટે 20 હજાર રૂપિયા સુધી ચાર્જ કરવામાં આવે છે. ગુજરાતમાં આ પેટર્નથી અત્યાર સુધીમાં ત્રણ હજારથી વધુ બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યાની વિગતો સામે આવી છે.

આ પણ વાંચો: પરમ મિત્રની આત્મહત્યાથી દુઃખી વડોદરાના બે યુવાનોએ દર્દનાક રીતે જીવનનો અંત આણ્યો

જે બાબતના અનુસંધાનમાં વાહનવ્યવહાર કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે હાલ અન્ય રાજ્યોમાંથી ઇસ્યુ થયેલ ડ્રાઇવિંગ લાયસન્સનું સરનામું બદલવાની થયેલી અરજીઓ અંગે તપાસ કરવી અને જો કોઈ શંકાસ્પદ માહિતી મળે તો લાયસન્સ રદ કરવાની સાથે ગુનો નોંધવા સુધીની કાર્યવાહી પણ કરવી.

આ કૌભાંડ કઈ રીતે કરવામાં આવતું હતું?

ગુજરાતમાં રહેતા વ્યક્તિનું આધાર કાર્ડ અને સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટ અન્ય રાજ્યોના આરટીઓમાં મોકલે છે. જ્યાં જે તે વ્યક્તિનું નામ અને જન્મ તારીખ સહિતની વિગતો યોગ્ય રાખીને સરનામું ખોટું લખવામાં આવે છે. જેના આધારે કાચું લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે. જે લાયસન્સના આધારે ડ્રાઇવિંગ ટેસ્ટ કર્યા વિના જ પાકું ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરીને ગુજરાતમાં રહેતા વ્યક્તિને મોકલી દેવામાં આવે છે. ત્યારબાદ તે વ્યક્તિ દ્વારા સરનામું બદલવા માટે ગુજરાતના આરટીઓમાં અરજી કરવામાં આવે છે.