વડોદરામાં અડધી રાત્રે સુમસામ રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ ચાલુ રહેતા વાહન ચાલકો મૂંઝવણમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરમાં ટ્રાફિક સિગ્નલમાં વિસંગતતાથી પરેશાનીની અનેક ફરિયાદો વાહન ચાલકો કરી રહ્યા છે. દરમિયાન હવે અડધી રાત્રે કાતિલ ઠંડીમાં સુમસામ રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ ચાલુ રહેતા વાહન ચાલકો મૂંઝવણ અનુભવી રહ્યા છે.
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિક સિગ્નલની ગડબડ વધતા સામાન્ય વાહનચાલકો ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે. શહેરના અનેક માર્ગોએ સિગ્નલ ક્યારેક બંધ તો ક્યારેક અચાનક ગ્રીનથી રેડ થઈ જતા વાહનચાલકો અટવાઈ જાય છે. ટ્રાફિક સિસ્ટમની આ અનિશ્ચિતતા કારણે ચાલકોની સુરક્ષા તથા સમય બંને પર અસર પડી રહી છે. શહેરમાં શિયાળાની ઋતુએ પકડ જમાવતા ખાસ કરીને મોડી રાત્રે કાતિલ ઠંડીનો સામનો નગરજનો કરી રહ્યા છે. અને રાત થતા જ મોટાભાગના રસ્તાઓ પર લોકોની ચહલ પહલ ઓછી જોવા મળી રહી છે. અને રાત્રિના 12 પછી તો જાહેર માર્ગો સુમસામ ભાસે છે. આવી સ્થિતિમાં ટ્રાફિક સિગ્નલ રાત્રિના 12 વાગે પણ ચાલુ રહેતા વાહનચાલકોને ઠંડીમાં અનાવશ્યક રાહ જોવી પડે છે. ટ્રાફિક સિગ્નલ ચાલુ રહેતા લોકોને ઈ-મેમોનો ડર રહેતો હોય રસ્તો સુમસામ હોવા છતાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. ઘણા વાહનચાલકોનું કહેવું છે કે, રાત્રે ટ્રાફિક ઓછો હોય ત્યારે સિગ્નલને અનુકૂળ સ્થિતિમાં રાખવામાં આવે તો રાહત થાય. ટ્રાફિક સિગ્નલની આ પરેશાની અંગે નાગરિકો ટ્રાફિક સિગ્નલમાં જરૂરી સુધારો કરવાની માગ કરી રહ્યા છે.









